સૌરાષ્ટ્રમાં રોકાણ માટે ‘યહી સમય, સહી સમય’

Friday 16th January 2026 02:29 EST
 
 

રાજકોટઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2026ના પ્રારંભે મારી ગુજરાતની પ્રથમ યાત્રા છે. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી રાજકોટમાં શાનદાર કાર્યક્રમનો હિસ્સો બન્યો છું અને 'વિકાસ ભી વિરાસત ભી' મંત્ર મારી યાત્રાને સુખદ બનાવી છે.
મોદીએ ઉમેર્યું કે, પહેલા દિવસથી જ વાઇબ્રન્ટ સાથે જોડાયેલ છું. પહેલા ગુજરાતમાં લોકો રોકાણ કરે અને ભારતને ફાયદો થાય તે હેતુથી સમિટ યોજાતી હતી, પરંતુ આજે આ સમિટ ગ્લોબલ ગ્રોથ અને ઈન્ટરનેશનલ પાર્ટનરશિપનું મજબૂત પ્લેટફોર્મ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના અલગ અલગ પ્રદેશની આગવી તાકાત છે અને આ રિજનલ સમિટ આ તાકાતને મૂડીરોકાણમાં ફેરવવાની પહેલ છે. વિપુલ તકો ધરાવતા સૌરાષ્ટ્રમાં રોકાણ માટે ‘યહી સમય, સહી સમય’ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ભારતમાં દર 10માંથી 9 મોબાઈલ બહારના દેશમાંથી આવતા હતા આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટા મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. એ જ રીતે ભારત છેલ્લા 11 વર્ષમાં સૌથી મોટો મોબાઈલ ડેટા કન્ઝયુમર દેશ બન્યો છે અને યુપીઆઈ પેમેન્ટમાં દુનિયામાં નંબર વન છે. સાથે જ વિશ્વની અર્થવ્યવસ્થાના રેટિંગ આપતી આઈએમએફ, ફીચ જેવી રેટિંગ કંપની ભારતને અગ્રીમતા આપી રહી છે.
રાજ્યના બજેટથી બમણા રૂ. 8.65 લાખ કરોડના રોકાણની જાહેરાત
રાજકોટમાં રવિવારે મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીના સંકુલમાં વાઇબ્રન્ટ ગુજરાતની 11મી આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોચના ચાર ઉદ્યોગપતિએ આગામી પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, મુન્દ્રા તેમજ ખાવડામાં રૂપિયા 8.65 લાખ કરોડના રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જે ગુજરાતના નાણાકીય વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટ કરતાં 4.95 લાખ કરોડ વધારે છે. ચારેય ઉદ્યોગપતિએ મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રીન એનર્જી, પીવીસી પાઈપ, એઆઈ, સોલાર પાવર તેમજ અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણ કરવાનું જાહેર કર્યું હતું.
રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણીએ આગામી પાંચ વર્ષમાં જામનગરમાં ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ, હાઈડ્રોકાર્બન, એઆઈ ડેટા સેન્ટર તેમજ કચ્છમાં સોલાર પ્રોજેક્ટ માટે 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ તકે અદાણી પોર્ટ એન્ડ સેઝના કરણ અદાણીએ કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટનાં એનર્જી પ્રોજેક્ટ અને મુન્દ્રા પોર્ટ માટે 1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. જ્યારે વેલસ્પન ગુજરાત ગ્રૂપના બી.કે. ગોએન્કાએ કચ્છમાં પાઇપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રૂપિયા 5000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત રાજકોટના જ્યોતિ સીએનસી ગ્રૂપના એમડી પરાક્રમસિંહ જાડેજાએ સીએનસી મશીન તમામ મેન્યુફેક્ચરર માટે મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય આગામી પાંચ વર્ષમાં એરોસ્પેસ, સેમિન્ડક્ટર સહિતના ઉદ્યોગ માટે જરૂરી ડિઝાઈનિંગ કરી શકે તેવા સીએનસી મશીન બનાવવા 10 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter