સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રોલ્સ રોય્સ કાર મેર સમાજના અગ્રણી મેરામણ પરમારે ખરીદી હતી

Thursday 17th August 2017 02:31 EDT
 
 

અમદાવાદ: મોંઘી અને લક્ઝુરિયસ કાર્સને હંમેશાં એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. વળી, જો તમારી પાસે ‘રોલ્સ રોય્સ’ બ્રાન્ડની કાર હોય તો તમારે તમારા સામાજિક, આર્થિક સ્ટેટસ માટે ગાણાં ગાવાની જરૂર રહેતી જ નથી. કારણ કે આ કંપનીના નોર્મ્સ જ એવા છે કે પહેલાં તમારી સામાજિક પ્રતિષ્ઠા, ઘર, બિઝનેસ કે આવકની ચકાસણી કરાય એ પછી કંપનીનાં પ્રતિનિધિઓને સંતોષ થાય કે જે તે વ્યક્તિ કાર ખરીદવાને લાયક છે પછી વ્યક્તિ કાર ખરીદી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભલભલા ઉદ્યોગપતિઓ અને ફિલ્મી સેલિબ્રિટીઝને પણ રોલ્સ રોય્ઝ કારના વેચાણ માટે કંપનીએ ના કહી છે, પણ આ પરીક્ષામાંથી જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ અને મેર સમાજના આગેવાન મેરામણભાઈ પરમાર વર્ષ ૨૦૧૬માં પાર ઉતરી ગયા હતા અને સૌરાષ્ટ્રમાં પહેલી રોલ્ય રોય્સ કાર આવી હતી. રોલ્સ રોય્ઝ કંપનીના કર્મચારીઓ મેરામણભાઈની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનું માપ કાઢવા છેક મુંબઈથી તે સમયે આવ્યા હતા અને બુકિંગ કરાવ્યા પછી દસ મહિને આ કારની ડિલિવરી મળી હતી. ૧૯૮૯થી મેરામણભાઈએ રાજ લેન્ડ ડેવલપર્સ નામે વ્યવસાય શરૂ કર્યો હતો.

હવે તો ગુજરાતમાં ઘણી બધી રોલ્ય રોય્સ કાર છે, પણ મેરામણ પરમારે તે વખતે આ કાર રૂ. ૬.૫ કરોડમાં ખરીદી હતી. રોલ્સ રોય્સ ઘોસ્ટ તેમના ઘરનું આગણું આજેય શોભાવે છે. મેરામણભાઈ પાસે અત્યારે ‘ઓડી ક્યુ સેવન’ અને ‘રેન્જરોવર’ સહિત કુલ સાત કાર છે.

કંપનીના કર્મચારીઓએ મેરામણભાઈને નાના એવા ગામ મહિયારીમાં જઈને કારની ડિલિવરી આપી હતી. સૌરાષ્ટ્રના રસ્તા પર ઠાઠ-માઠ સાથે નીકળતી આ રોલ્ય રોય્સને સૌ કોઈ આજે પણ જોતા રહી જાય છે. એટલું જ નહીં કંપનીએ કારની ડિલિવરી સમયે ક્રિકેટર સચિન સાથે વીડિયો કોન્ફરન્સથી મેરામણભાઈની વાત કરાવી હતી અને આ કાર ખરીદવા બદલ સચિને મેરામણભાઈને અભિનંદન આપ્યાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter