સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

Wednesday 24th April 2024 05:34 EDT
 
 

રાજકોટ: જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું હતું. આ અનોખા લગ્ન સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં રામનવમી પર્વે 18 એપ્રિલે અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ભૂત-પ્રેત બનીને જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામોદના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડનો પરિવાર સદીઓથી ચાલી આવતી માન્યતા અને પરંપરાને કુરિવાજો માને છે. આથી સ્મશાનમાં વરરાજા અને જાનૈયાઓને ઉતારો આપ્યો હતો. આ લગ્નમાં કન્યા પક્ષના મોભીઓએ કાળા કપડાં પહેર્યાં હતા.
કન્યા પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા છે. નવવધૂ પાયલ રાઠોડે જણાવ્યું હતું કે, આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા છે. લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓએ ભૂત-પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યું હતું. વર- કન્યાએ લગ્નમંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા છે.
વરરાજા જયેશ સરવૈયાએ જણાવ્યું હતું કે, ‘પહેલાં તો આવો કોઈ વિચાર નહોતો, પણ મારા સસરાએ જ્યારે આ વિચાર જણાવ્યો ત્યારે ખૂબ સારું લાગ્યું, જેને લઈ આજે અમે કમર કોટડા ગામથી જાન લઈને અહીં આવતા જ કાળા વસ્ત્રો અને ભૂત-પ્રેતનાં પહેરવેશમાં કન્યાઓ દ્વારા જાનનું સ્વાગત કરાયું હતું. તેમજ મારી જીવનસાથી પાયલે પણ કાળા કપડા પહેર્યા હતા. ભૂત-પ્રેતના સરઘસ તેમજ ડીજેનાં તાલે સામૈયું કરાયું હતું. તેમજ મુહૂર્ત-ચોઘડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે એક તરફ સમાજના કેટલાક લોકો અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત સહિત શુકન અપશુકનમાં ડૂબેલા છે ત્યારે રામોદમાં યોજાયેલા આ લગ્ને તમામ માન્યતાને નેવે મુકીને અંધશ્રદ્ધાને તિલાંજલિ આપી હતી. જ્યાં સારા કામ માટે સ્મશાનમાં જતાં પણ લોકો ડરે છે ત્યારે લગ્નની જાનનો ઉતારો જ સ્મશાનમાં અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter