હવે કૃષ્ણની મૂર્તિએ દૂધ પીધું!

Thursday 16th July 2015 08:45 EDT
 
 

રાજકોટઃ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજગણપતિની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના ભારત સહિત અનેક દેશોમાં ઘટી હતી. પરંતુ હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિએ દૂધ પીધું હોવાનો કિસ્સો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. ૧૪-૧૫ જુલાઇએ રાજકોટ સહિત ગોંડલ, વીરપુર પંથકમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પીતી હોવાની અફવાએ ભારે જોર પકડ્યું હતું. ભક્તોએ મંદિરે અને ઘરે મૂર્તિને દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી દૂધની ડેરીઓ પર લોકોની ભીડ જામતા દૂધના વેપારીઓને ત્યાં પણ તડાકો પડી ગયો હતો. ગોંડલમાં તો ગણતરીના જ કલાકોમાં પચાસ લીટર દૂધ ખપી ગયું હતુ. વિજ્ઞાનનાં કેશાકર્ષણના નિયમ મુજબ કોઈ પણ ધાતુ કે પથ્થર પ્રવાહીનું શોષણ કરે છે, છતાં અંધશ્રધ્ધાના ઘોડાપૂરમાં તણાયેલા લોકો ગરીબ પરિવારના લાલને દૂધ પીવડાવી ભગવાનના જ આશીર્વાદ મેળવવાના બદલે લાલાની મૂર્તિને દૂધ પીવડાવવા દોડ્યા હતા. ગોંડલમાં તો કંચનબહેન ગજેરાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, કૃષ્ણની મૂર્તિ આગલા દિવસે પણ દૂધ ગટગટાવી ગઇ હતી.

અમરેલીના શિવનગરમાં રહેતા નગરપાલિકાનાં સભ્ય ધારાબેન કિશોરભાઈ દવેના ઘરે પણ લાલાની મૂર્તિના મુખ સામે દૂધ ભરેલી ચમચી ધરતા થોડી જ વારમાં દૂધ ગાયબ થઈ ગયું હતું.

અધિક માસને કારણે મહિલાઓ દ્વારા ભગવાન પુરુષોત્તમની અને ગોરમાની સ્થાપના કરી પૂજા થઇ રહી છે ત્યારે ‘લાલા’એ દૂધ પીધું હોવાની વાતો સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ જતા લોકો શ્રદ્ધા સાથે મંદિરોમાં પહોંચી ગયા હતા. આ અફવાએ અનેક તર્ક વિતર્કો સર્જ્યા છે. મોડી રાત્રી સુધી લોકો મંદિરોમાં દૂધ લઈને ઉમટી પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter