હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે લીલીઝંડી: અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચાશે

Wednesday 11th December 2019 05:43 EST
 

અમદાવાદઃ ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી છે. જેથી અમદાવાદથી રાજકોટનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. પ્રોજેક્ટ પાછળ કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૩૦૦ કરોડ થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે સાંકળવામાં આવશે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના કારણે સૌરાષ્ટ્ર અને શહેરોની કનેક્ટિવિધિ વધશે.
અમદાવાદ અને રાજકોટ શહેર વચ્ચે વર્ષે ૫૦ લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે એટલે બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોરની શક્યતા છે. રાજ્ય સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે ૪૭ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના લીધે જમીન સંપાદનમાં વધારે સમસ્યા નહિ આવે. આ રૂટ પર ટ્રેનો ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર કલાકમાં કાપશે. રાજકોટ ગુજરાતના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરો પૈકી એક છે. રાજકોટ એ જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાથી સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર કહેવાય છે.
અમદાવાદ અને રાજકોટ વચ્ચે મુસાફરોની સંખ્યા વર્ષે ૯ ટકાના દરે વધી રહી છે, વર્ષ ૨૦૦૭માં બંને શહેરો વચ્ચે દર વર્ષે ૧૯ લાખ લોકો મુસાફરી કરતા હતા જે વર્ષ ૨૦૧૭માં વધીને પ્રતિવર્ષ ૪૫ લાખ મુસાફર થયા છે, આમ નવા સેમિ હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર ત્રણ કલાકથી પણ ઓછું થવાનું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા સર્વે કરવા માટે નિર્દેશો આપ્યા છે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ પણ શરૂ થાય તેવી સરકારની ગણતરી જણાય છે. પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. ૧૧,૩૦૦ કરોડનો ખર્ચ થવાનો છે. જેમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચ સામેલ છે. આ પ્રોજેક્ટથી આગામી વર્ષોમાં ૯ હજારથી વધુનું રોજગાર સર્જન થશે.
કોલમ-બિમ પર દોડશે હાઇસ્પીડ ટ્રેન
રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે તંત્રએ સંકલન સાધીને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. આ પ્રોજેક્ટ અંગે જાણવા મળ્યું છે કે સંભવત: સિક્સલેન વચ્ચેના પાંચ મીટર પહોળા ડિવાઈડરની વચ્ચે દોઢ ડાયામીટરનો કોલમ ઊભો કરીને તેના પર બીમ મૂકીને રેલવે ટ્રેક ફિટ કરાશે. શક્યતઃ ૧૬૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવી શકાય એવું માળખું હશે. આ માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવેના નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે અને રાજ્ય સરકારે આ બાબતે માહિતી પણ માગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter