હ્યુસ્ટનમાં સત્યના પ્રયોગોનો સાક્ષાત્કાર

Wednesday 02nd October 2019 07:07 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે અમેરિકાનાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રચંડ મેદની વચ્ચે મંચ ગજાવ્યો ત્યારે બીજી બાજુ પોરબંદરના એક માણસે અમેરિકાને મહાત્મા ગાંધીજીનાં સત્યના પ્રયોગોનો સાક્ષાત્કાર કરાવવા માટે આહવાન કર્યું હતું. ગાંધીજીને સમર્પિત અમેરિકાના પ્રથમ ડિજિટલ મ્યુઝિયમની તક્તીનું મોદીએ અનાવરણ કર્યું હતું. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં જ જન્મેલા અતુલ કોઠારી આ મ્યુઝિયમના રચયિતા છે. ઈન્ટરનલ ગાંધી એટલે કે શાશ્વત ગાંધી આ મ્યુઝિયમ થકી કોઠારી છેલ્લા કેટલાક દાયકા દરમિયાન ભારતમાંથી અમેરિકા સહિતના વિકસિત દેશોમાં ભારતનાં પ્રવીણ વ્યવસાયિકોનાં સ્થાનાંતરને પ્રતીકાત્મક ઢબે પાછું વાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પોરબંદરમાં જ્મેલા ૬૮ વર્ષીય અતુલ કોઠારીનો ઉછેર અમદાવાદમાં થયો હતો અને આઈઆઈટી કાનપુરમાંથી કેમિકલ ઇજનેર બન્યા બાદ તેઓ ૧૯૭૪માં અમેરિકાનાં ટેક્સાસમાં હ્યુસ્ટન આવીને હિસાબનીશનું કામ કરવા લાગ્યા હતા. તેઓ ૨૦૨૧ સુધીમાં આ મ્યુઝિમનું કાર્ય સંપન્ન કરવા માગે છે. કોઠારીએ પોતાના મિત્રો સાથે મળીને ૨૦૦૨માં હ્યુસ્ટનમાં જ ગાંધી પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને ત્યારબાદ ગાંધી વિચારોને પ્રસરાવતા સંખ્યાબંધ આયોજન પણ તેમનાં દ્વારા કરવામાં આવ્યા હતા. આખરે આદિત્ય બિરલા સમૂહના સહકારથી ઈન્ટરનેલ પ્રોજેક્ટ અંતર્ગત તેમનું મ્યુઝિયમનું સપનું સાકાર થવા આવ્યું છે. જેનાં માટે અત્યાર સુધીમાં ૩ એકર જમીન મેળવી લેવાઈ છે અને પાંચ મિલિયન ડોલરનાં ખર્ચે બનનાર ભવ્ય મ્યુઝિયમ માટે ૨ મિલિયન ડોલર એકત્ર કરી લેવાયા છે. ૧૦ હજાર ચો. ફૂટ બાંધકામમાં મલ્ટીમીડિયા પ્રદર્શન, ભીંતચિત્રો, સભાખંડ, ગાંધીની ઝાંખી, ટપાલ ટિકિટ પ્રદર્શન, પુસ્તકાલય અને ઉદ્યાન બનાવવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter