માળિયા હાટિનાઃ પોરબંદરના વતની અત્યારે આફ્રિકાના ઉદ્યોગપતિ ઇસ્માઈલી ખોજા કોમના ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના અનુયાયી એવા રીઝવાન આડતિયાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાને આદર્શ ગામ બનાવી આસપાસના ૧૦૦ ગામનો વિકાસ કરવાની ખાતરી આપી છે. રીઝવાન આડતિયાનું ૪ સપ્ટેમ્બરે માળિયાહાટીનામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વાગત કરાયું હતું.
સન્માનના પ્રત્યુતરમાં રીઝવાનભાઈએ જણાવ્યું હતું કે, ‘મેં માળિયા હાટીનાને દત્તક નથી લીધું પણ માળિયા હાટીનાએ મને દત્તક લીધો છે. વર્ષ ૨૦૦૯થી મેં માળિયામાં હોસ્ટેલમાં સેવા આપી છે. માળિયા આવીને મને ખુશી થઈ છે. ગામને સામાન્ય પણ એક મોટા મહેલ સમાન બનાવવું છે. આ ગામને આદર્શ બનાવી દેશમાં નંબર વન ગામ બનાવવાની ઈચ્છા છે. માનવધર્મ એજ સાચો ધર્મ છે. મેં આફ્રિકામાં પણ સેવાકાર્ય કર્યા છે. હવે માળિયા હાટિનાની મુલાકાતે મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન ખુદ આવે એવો વિકાસ કરવો છે. હું કુરાન અને ગીતા બંનેનો આદર કરું છું. આગામી પાંચ વર્ષમાં નવ ગામ દત્તક લીધા બાદ બીજા દસ વર્ષમાં ૯૦ ગામનો વિકાસ કરવો છે. એટલે કુલ ૧૦૦ ગામનો વિકાસ કરીશ.’