૧૨ પાક. મરિન જવાનો સાથેની બોટ દરિયામાં ઊંધી વળીઃ પાંચને ભારતીય માછીમારોએ બચાવ્યા

Wednesday 12th April 2017 08:57 EDT
 
 

પોરબંદરઃ પાકિસ્તાન મરિન વારંવાર સૌરાષ્ટ્ર કચ્છની જળસીમામાંથી ભારતીય માછીમારોના અપહરણ કરે છે અને નવમી એપ્રિલે સમાચાર આવ્યા હતા કે ભારતીય માછીમારોને પાકિસ્તાને મોતની સજા ફરમાવી છે ત્યારે બીજા જ દિવસે દસમી એપ્રિલે ૧૨ પાક. મરિન જવાનો સહિતની બોટ દરિયામાં ઊંધી વળી ગઈ. જેમાંથી પાંચ પાક. મરિન એજન્સીનાં જવાનોને ભારતીય માછીમારોએ બચાવ્યાં છે. પાક. મરિનના જવાનોને બચાવવાની કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડે પણ મદદ કરી હતી.
સૌરાષ્ટ્ર માછીમાર સંગઠનના અગ્રણી મનીષ લોઢારીએ આ વિશે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની મરિન સિક્યોરિટી એજન્સીએ નવમી એપ્રિલે જ ૭ બોટ અને ૪૨ માછીમારોને પકડીને બંધક બનાવી પોતાની હદમાં રાખ્યા હતા. બીજા જ દિવસે દસમીએ વહેલી સવારે પાકિસ્તાની સ્પીડ બોટ વધુ ભારતીય માછીમાર બોટોને પકડવા આંતરરાષ્ટ્રીય જળસીમા તરફ આવી રહી હતી ત્યારે એક ભારતીય માછીમાર બોટ સાથે અથડાયો અને બોટ ઊંધી વળી ગઇ. બોટમાં ૧૨ પાકિસ્તાની મરિન સિક્યોરિટી એજન્સીનાં જવાનો હતા. બારેબાર દરિયામાં ખાબકી પડ્યા. જેમાંથી પાંચને ભારતીય માછીમારોએ બચાવી લીધા હતા અને ત્રણ પાક. જવાનોનાં મૃતદેહો કાઢી લેવાયા હતા. બીજાં ચાર જવાનોની દરિયામાં શોધ ચાલુ રખાઈ હતી. પાક. જવાનોને બચાવવા માટે ભારતીય શિપ અરિજય ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે ભારતીય જળસુરક્ષાએ તુરંત જ પાક.ને જાણ કરી હતી અને પાક. જવાનોનાં મૃતદેહોની સોંપણી કરી હતી. દરમિયાન પાકિસ્તાનનું હૃદય પરિવર્તન થયું હોય કે ગમે તે, પરંતુ નવમીએ જ સાત બોટ સાથે પકડેલા ૪૨ ભારતીય માછીમારોને પાકિસ્તાને છોડી મૂક્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter