આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજકોટમાં આવેલા અક્ષર મંદિર ખાતે એકસાથે ૧૫૪૬ સગર્ભા મહિલાઓએ સતત ૩૫ મિનિટ સુધી યોગાસનો કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ દ્વારા માન્યતા મળતાં ચીનનો ૧૪૪૩ સગર્ભા મહિલાઓનો એકસાથે યોગનો વર્લ્ડ રેકર્ડ તૂટ્યો છે.
• રાજકોટના બાર તીર્થસ્થળોના વિકાસ માટે રૂ. ૨૦ કરોડની ગ્રાંટઃ રાજકોટ જિલ્લાના બાર તીર્થસ્થળોના વિકાસ માટે રૂ. ૨૦ કરોડની આસપાસની ગ્રાંટ મળવાની શક્યતા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ ચોથી ઓગષ્ટે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ટુરિઝમ સેક્રેટરી હૈદર સમક્ષ આ તમામ સ્થળોના ડેવલપમેન્ટ પ્લાન, આર્કિટેક્ટ દ્વારા બનાવાયેલું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
• ચારણ સમઢિયાળામાં જૂના - નવા ગામ વચ્ચે નદીનો પુલ બનશેઃ જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળામાં જૂના ગામ અને નવા ગામ વચ્ચે સાકરોલી નદી આવેલી હોવાથી ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શાળાએ જતાં બાળકો પંચાયતમાં કામ કરવા માટે આવતાં લોકોને આખું ગામ ફરવું પડે છે. આથી સાકરોલી નદી ઉપર પુલ બનાવવા ગ્રામજનો છેલ્લા ૨૦ વર્ષથી માગણી કરતા હતા. રાજકીય આગેવાન જયેશ રાદડિયાએ પુલ માટે રૂ. ૧.૧૧ કરોડની ગ્રાંટ મંજૂર કરાવતાં પુલના કામનો પ્રારંભ થયો છે. ખાતમુહૂર્ત જયેશ રાદડિયાના હસ્તે કરાયું હતું.