૩ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસી

Wednesday 25th March 2020 10:01 EDT
 
 

રાજકોટ: દુષ્કર્મ, હત્યાના કેસમાં આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે દોષિતને તાજેતરમાં ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયા (ઉં ૩૮)એ બે વર્ષ પહેલાં ચુનારાવાડમાંથી પરપ્રાંતીય દંપતીની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું અપહરણ કર્યું હતું. બાદમાં અવાવરું સ્થળે લઇ જઇ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. અદાલતે ફાંસીની સજાનો ચુકાદો આપ્યા પછી પણ આરોપી રમેશને કોઇ રંજ કે અફસોસ જોવા મળ્યો ન હતો. કેસમાં સરકાર પક્ષે રોકાયેલા એજીપી સંજય કે.વોરાએ ચુકાદાની વિગત આપતા કહ્યું કે, મોટા ભાગના ગંભીર કેસોમાં સાક્ષી, પંચો હોસ્ટાઇલ થઇ જતા હોય છે, પરંતુ આ કેસના ૧૩ સાક્ષીઓએ બનાવને સમર્થન આપતી જુબાની આપી હતી. બચાવ પક્ષે રેર ઓફ રેર કેસમાં જ આરોપીને ફાંસીની સજાની જોગવાઇ હોવાથી આરોપીને આજીવન કેદની સજા કરવા રજૂઆત કરી હતી. બંને પક્ષોની રજૂઆત, દલીલો સાંભળ્યા બાદ ફરિયાદ પક્ષે રજૂ થયેલા એફએસએલ રિપોર્ટને ધ્યાને રાખી આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજાનો આદેશ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter