‘આવો સીકે મમરા ખાવા આવો...’ ધીરુભાઇના મિત્ર દીપક ગ્રૂપના ચેરમેન સી.કે. મહેતાનું નિધન

Saturday 22nd July 2023 05:30 EDT
 
 

મુંબઇ: અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં મુંબઇ ખાતે પરિવારજનો અને અંગત સ્નેહીજનો માટે પ્રાર્થના સભા યોજાઇ હતી, જેમાં રિલાયન્‍સ જૂથના વડા મુકેશ અંબાણીએ પણ હાજરી આપી હતી. દીપક ફર્ટિલાઇઝર એન્‍ડ પેટ્રોકેમિકલ્‍સ તેમજ દીપક નાઇટ્રેટ ગ્રૂપ ઓફ કંપનીસના ચેરમેન સ્‍વ.શ્રી ચીમનભાઈ મહેતા સાથે સ્‍વ.શ્રી ધીરુભાઈ અંબાણીની મિત્રતા તેમજ તેમની સાથેનાં પોતાના સંસ્‍મરણો વાગોળતા મુકેશભાઈએ હૃદયસ્‍પર્શી શ્રદ્ધાંજલી આપી હતી. અંદાજે સાડા છ મિનિટનાં વક્‍તવ્‍યમાં મુકેશભાઈએ સ્‍વર્ગસ્‍થને ‘સીકે અંકલ’ તરીકે સંબોધતા શરૂઆત કરીને તેમને લેજેન્‍ડ તરીકે ઓળખાવ્‍યા હતા.
એંસીના દસકાની શરૂઆતમાં સીકેસાહેબના પરિચયમાં આવ્‍યાનું જણાવતા મુકેશભાઈએ કહ્યું હતું કે સ્‍વર્ગીય ધીરુભાઈ અને સ્‍વર્ગીય ચીમનભાઈ 1932માં જન્‍મેલા. ચીમનભાઈ 91 વર્ષનું જીવન જીવ્‍યા બાદ માત્ર પરિવાર કે દીપક જૂથ કે ભારતનાં કેમિકલ ઉદ્યોગ માટે નહિ પણ ભારતમાં ઉદ્યોગ સાહસિકો માટે પણ એ એક દીવાદાંડી સમાન વ્‍યક્‍તિત્‍વ અને લેજેન્‍ડ રહેશે.
પિતા ધીરુભાઈ અને ચીમનભાઈ વચ્‍ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધને યાદ કરતા મુકેશભાઈએ કહ્યું કેઃ મને યાદ છે કે બન્ને ઘણી વાર એકબીજાને મળતા, મારા પપ્‍પા એમને કહેતા કે ‘આવો, સીકે મમરા ખાવા આવો...’ આ સીકે અંકલ સાથેની વાત દરમિયાનનું એમનું પ્રચલિત વાક્‍ય હતું અને તેમની વચ્ચે આવો નિકટનો સંબંધ હતો.
મુકેશભાઈએ કહ્યુંઃ ‘મારા પિતાજી સીકે અંકલ માટે હંમેશા કહેતા કે - ‘આ મારા કરતા દસ વર્ષ આગળ છે,’ કારણ કે દીપક જૂથે કેમિકલ્‍સ ઉદ્યોગ ક્ષેત્રે સિત્તેરનાં દાયકામાં ઝંપલાવ્‍યું હતું ને રિલાયન્‍સ જૂથે એંસીનાં દસકાની મધ્યમાં કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે શરૂઆત કરી હતી. ધીરુભાઈ અને ચીમનભાઈએ કારકિર્દીની શરૂઆત મસ્‍જિદ બંદરેથી સાથે કર્યાનું જણાવતા મુકેશભાઈએ વક્‍તવ્‍યમાં કહ્યું કે, ‘એ સમયે બન્ને એકબીજા સાથે મસ્‍તી-મજાકમાં કહેતા કે આપણે તો ઝીરો ક્‍લબનાં સભ્‍યો છીએ, કારણ બંનેએ શૂન્‍યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું.’
સીકે અંકલ સાથેનાં સ્‍મરણો અંગે મુકેશભાઈએ કહ્યું હતું કે ‘હજુ મને યાદ છે કે એંસીનાં દસકામાં જયારે હું યુવાન હતો ત્‍યારે મારે સીકે અંકલ પાસે જવાનું થતું અને હું તેમની પાસેથી સમજવા અને જાણવા પ્રયત્‍ન કરતો કે કેમિકલ ક્ષેત્રે ઉદ્યોગ ચલાવવા માટે શું કરવું જોઈએ, અને કેવી રીતે એ કાર્યપદ્ધતિ અપનાવવી જોઈએ. મારા પિતાશ્રીનાં મિત્ર હોવાનાં નાતે તેઓ મને બેસાડીને શાંતિથી સમજાવતા અને બે શબ્‍દોનો ગુરુમંત્ર આપ્‍યો હતો - ધીરજ અને અનુકંપા. સાથે સાથે તેમણે મને એ પણ શીખવ્‍યું હતું કે કોઈ પણ પરિસ્‍થિતિ સ્‍વસ્‍થ ચિત્તે, શાંત મને અને ધીરગંભીર થઈને નિવારવી જોઈએ.’ તેવું મુકેશભાઈએ ઉમેર્યું હતું.
સીકે અંકલને તેમના મેન્‍ટર તરીકે સંબોધતા મુકેશભાઈએ કહ્યું હતું કે, ‘એ સમય બહુ જુદો હતો લાયસન્‍સ રાજ હતું, એવી ઘણી પરિસ્‍થિતિઓ હતી ખાસ કરીને કામદાર અને માનવ સંસાધન ક્ષેત્રે અમે જે સંજોગનો સામનો કર્યો છે, એવી પરિસ્‍થિતિમાંથી કેમ નીકળવું એ સીકે અંકલે મને હંમેશા અંગત રીતે શીખવ્‍યું હતું, એક રીતે જુઓ તો મને માર્ગદર્શન આપ્‍યું હતું, જેના માટે હું સદૈવ તેમનો કૃતજ્ઞ રહીશ.’
ત્‍યારબાદ લાંબા સમયકાળ સુધી સીકે અંકલનાં સંપર્કમાં ન હોવાની વાત સ્‍વીકારતા મુકેશભાઈએ કહ્યું કે, ‘જયારે પણ અમે મળતા, સીકે અંકલ એ દિવસો યાદ કરતા, ખુબ જ લાગણી, પ્રેમ અને અનુકંપા સાથે મળતા. જયારે મારા પિતાશ્રી અવસાન પામ્‍યા ત્‍યારે મને અંગત રીતે મળીને સાંત્‍વના પાઠવી હતી અને હિંમત આપી હતી.’
મુકેશભાઈએ ભારપૂરવર્ક જણાવ્‍યું કે, ‘સીકે અંકલના એક ફોન કોલને હું હરહંમેશ યાદ કરું છું અને એની બહુ જ કદર કરું છું. વર્ષ 2016-2017માં તેમણે મને ફોન કર્યો હતો, ‘જિઓ’ની ટેલિકોમ સેવાઓ ભારતમાં ખરેખર બદલાવ લાવી રહી હતી. ત્‍યારે તેઓ પહેલા એવા વ્‍યક્‍તિ હતા. જેમણે કહ્યું હતું કે, મને તો તારામાં ભરોસો હતો જ અને આ રીતે તેઓ હરહંમેશ મને પ્રોત્‍સાહિત કરતા રહ્યા.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter