‘એઇમ્સ’ આખરે રાજકોટને ફાળે

Wednesday 09th January 2019 06:50 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકારે રાજકોટને ‘એઇમ્સ’ માટે મંજૂરી આપી છે. ‘એઇમ્સ’ માટે રાજકોટમાં આવેલા ખંઢેરી ગામ પાસે રાજ્ય સરકારે ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવા તૈયારી દર્શાવી હતી, જેને ભારત સરકારે સ્વીકૃતિ આપી છે. આમ રાજકોટ ખાતે રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સારવારથી સુવિધાસંપન્ન ‘એઇમ્સ’ હોસ્પિટલ બનશે.
રાજકોટમાં ‘એઇમ્સ’ બનશે તેવી ત્રીજી જાન્યુઆરીએ જાહેરાત કરતાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાતને ભેટ આપી છે. ગુજરાતના નાગરિકો વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, રાજકોટ ખાતે ‘એઇમ્સ’ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે. ‘એઇમ્સ’ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે. સંશોધનને લીધે રોગોનું નિવારણ થશે અને કોઈ પણ પ્રકારના રોગચાળાને તાત્કાલિક રીતે કાબૂમાં લેવા માટેનું માર્ગદર્શન પણ મળી રહેશે. એટલું જ નહીં પરંતુ ગંભીર પ્રકારના રોગોમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી પ્રકારની સારવાર પણ ઉપલબ્ધ બનવાની છે.
ઉલ્લેખનીય છે કે, જસદણની પેટા-ચૂંટણી વખતે પણ ‘એઇમ્સ’નો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, આખરે ધારણા પ્રમાણે એઇમ્સ રાજકોટને ફાળે આવી છે.

પાડોશી રાજસ્થાનને પણ લાભ મળશે

ભારત સરકારે ગુજરાતમાં વડોદરા અથવા તો રાજકોટ ખાતે ‘એઇમ્સ’ હોસ્પિટલ બનાવવા માટે સ્થળની પસંદગી અંગે કમિટીની રચના કરી હતી. આ કમિટીએ ભૌગોલિક સ્થિતિ, સ્થાનિક આરોગ્યસુવિધા, આંતરમાળખાકીય સુવિધા સહિતની બાબતો ચકાસી આખરે રાજકોટમાં ‘એઇમ્સ’ હોસ્પિટલ સ્થાપવા નિર્ણય કર્યો હતો. જેને કેન્દ્રના આરોગ્ય વિભાગે પણ મંજૂરી આપી દીધી છે ત્યારે હવે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની હોસ્પિટલ બનશે. ‘એઇમ્સ’નો લાભ ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનના દર્દીઓને પણ મળવાનો છે તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

૧૦૦૦ પથારી, ૧૨૦ એકર જમીન

યોજના અંતર્ગત રાજકોટમાં રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦થી ૧,૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક ‘એઇમ્સ’ હોસ્પિટલ બનશે. ૧૨૦ એકરમાં સાકાર થનાર આ યોજનાનું નિર્માણકાર્ય ચાર વર્ષમાં બાંધકામ પૂર્ણ કરાશે
હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે ૧૦૦ બેઠકો ફાળવાશે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તક વધશે. સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યસેવાનો મોટો લાભ મળશે. ‘એઇમ્સ’ને કારણે હાર્ટ, કેન્સર, ન્યૂરો સર્જરી સહિત જટિલ સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter