‘કાઠિયાવાડી પાણીદાર અશ્વો શૌર્યનું શ્રેષ્ઠ પ્રતીક’

Sunday 19th January 2020 05:23 EST
 
 

રાજકોટઃ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજકોટમાં અશ્વ શો, એર શો અને લોકહિતના કાર્યો થકી ૧૮મી જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ્ય પોલીસ અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન દ્વારા યોજાયો હતો. ૧૮મીએ સવારે ૯.૦૦ રાજકોટમાં પોપટપરા માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ અશ્વ શો યોજાયો હતો. આ શોમાં ૭૯ ઘોડેસવારોનાં વિવિધ દાવ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ શોમાં બેરોલ રેસ, મટકી ફોડ, ગરો લેવા જેવા કરતબો દર્શાવાયા હતા.
વિજય રૂપાણીએ અશ્વ શોમાં જણાવ્યું હતું કે, ખ્યાતનામ કાઠિયાવાડી પાણીદાર અશ્વો શૌર્યનું ઉચ્ચતમ પ્રતીક છે. કાઠિયાવાડી હોર્સ બ્રીડ્રર્સ એસો.ના પ્રમુખ અને ગોંડલના રહીશ ઘનશ્યામ મહારાજનું મુખ્ય પ્રધાને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. બેરેલ રેસ, ગરોની રમત અને મટકીફોડ સ્પર્ધામાં ટ્રોફી, રોઝેટ સર્ટિફિકેટ, પ્રથમને રૂ. ૧૫ હજાર, દ્વિતીયને રૂ. ૧૦ હજાર અને તૃતીય વિજેતાને રૂ. ૭ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ શોમાં એક ઘોડાની લગામ બીજા ઘોડાના પગમાં આવતાં ઘોડાઓએ દોડાદોડ કરી હતી, પણ પોલીસકર્મીઓએ ઘોડાને કાબૂ કરતા કોઈને ઈજા પહોંચી નહોતી.
રોમાંચક એર શોના રોમાંચક કરતબો
નવા રેસકોર્સમાં ૧૮મીએ જ એક લાખ ચોરસ મીટર જગ્યામાં રોમાંચક એર-શોનું પણ આયોજન હતું. જેમાં કેપ્ટન ચાંદની મહેતાના કુશળ નેતૃત્વમાં તાલીમબદ્ધ નિષ્ણાતો દ્વારા અવનવા અવકાશી કરતબોનું નિદર્શન કરાયું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજસેઇલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એરો સ્પોર્ટસના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન તથા દર્શકો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને એર શોના આયોજક કેપ્ટન અજય ચૌહાણ, કેપ્ટન ચાંદની મહેતાનું સન્માન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter