‘કેરી ઓન કેસર’થી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરતાં સુપ્રિયા પાઠક

Monday 16th May 2016 06:37 EDT
 
 

કેટલાક કલાકારો એવા હોય છે કે તેમને અભિનય વારસામાં મળ્યો હોય અને એ વારસાને એમણે બખૂબી જાળવી જાણ્યો હોય. આવા બે ગુજરાતી કલાકારો એક જ ફિલ્મમાં કામ કરતા હોય એ સંજોગ હોય અથવા તો પછી વિપુલ મહેતા જેવા સમજદાર દિગ્દર્શકની સૂઝ. ગુજરાતી તખ્તાના બે આલા દરજાનાં અભિનેત્રીઓ દીના પાઠકનાં પુત્રી સુપ્રિયા પાઠક અને લીલા જરીવાલાના પુત્ર દર્શન જરીવાલાએ પોતાની માતાના અભિનય વારસાને વધુ સમૃદ્ધ બનાવ્યો છે.

આશરે ૩૫ વર્ષથી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારાં સુપ્રિયા પાઠકે દરેક પાત્રને પૂરતો ન્યાય આપીને દર્શકોની વાહવાહી મેળવી છે તો દર્શન જરીવાલાએ પોતાના દરેક પાત્રમાં દર્શકોને ઓતપ્રોત કર્યા છે.

પોણો સો જેટલાં નાટકો તખ્તા પર રજૂ કરી ચૂકેલા લેખક દિગ્દર્શક વિપુલ મહેતાએ તેમની પ્રથમ ગુજરાતી દિગ્દર્શિત ‘ફિલ્મ કેરી ઓન કેસર’માં આ જોડીને ધનાઢ્ય ગુજરાતી દંપતી તરીકે રૂપેરી પરદે દર્શાવી છે. માતૃભાષા ગુજરાતીમાં સુપ્રિયા પાઠકની આ પહેલી ફિલ્મ છે જ્યારે દર્શન જરીવાલાએ લગભગ અડધો ડઝન ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

મધુર ભંડારકરની ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’માં અભિનય આપી ચૂકેલી અભિનેત્રી અવની મોદી સહિત રિતેશ મોઢ, અર્ચન ત્રિવેદી અને અમિષ કે તન્ના ‘કેરી ઓન કેસર’માં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આશરે ત્રણેક કરોડનું બજેટ ધરાવતી અને નવેમ્બર મહિનામાં રિલીઝ થનારી કમલેશ ભુપતાણી અને ભાવના મોદી નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ગોંડલમાં ચાલી રહ્યું છે. સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જે ગોંડલના મહેલો દર્શકોને જોવા મળ્યા હતા તે જ રિવર સાઈડ મહેલ સહિતના ગોંડલના મહેલો ‘કેરી ઓન કેસર’માં પણ દેખાશે.

વાર્તા રે વાર્તા

કેસર (સુપ્રિયા પાઠક) અને શામજી (દર્શન જરીવાલા) ગુજરાતમાં વસતું ધનાઢ્ય દંપતી છે. પારંપરિક બાંધણી કાપડ ઉદ્યોગના કારણે દેશવિદેશમાં તેમની શાખ છે. રૂઢિગત ગુજરાતી વેપારી એવાં કેસર તેમની બિઝનેસની સૂઝના કારણે અને પતિ શામજીના સાથને કારણે નામ સાથે દામ મેળવી ચૂક્યાં છે. આશરે ત્રણેક રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત થયેલાં કેસરના જીવનમાં બદલાવ આવવાનો ત્યારે શરૂ થાય છે જ્યારે એમનાં જીવનમાં એનીનો પ્રવેશ થાય છે. પેરિસમાં ઉછરેલી એની (અવની મોદી) ફેશન ડિઝાઇનર છે અને ગુજરાતી ભાત બાંધણી લહેરિયા અને પટોળાં તેને આકર્ષે છે તેથી તે આ પરંપરાગત ફેશન રેન્જને સમજવા કેસરબહેન પાસે આવે છે. બે અલગ સંસ્કૃતિ પ્રમાણે ઉછરેલાં અને રહેલાં લોકો વચ્ચે ક્યારેક પ્યાર અને ક્યારેક તકરારથી ફિલ્મમાં અવનવા વળાંકો આવતા જાય છે.

દિગ્દર્શકની નજરે ફિલ્મ

ફિલ્મના દિગ્દર્શક વિપુલ મહેતા ફિલ્મ વિશે કહે છે કે, આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. ફિલ્મ જોઈને ક્યારેક તમે પેટ પકડીને હસશો તો ક્યારેક તમારી આંખના ખૂણા ભીનાં થઈ જશે. લેખક જોડી અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીએ ફિલ્મના ડાયલોગ્સ પણ જકડી રાખે તેવા લખ્યાં છે અને સંગીતકાર જોડી સચિન જીગરે ફિલ્મનું મ્યુઝિક પણ સરસ આપ્યું છે.

  • નિર્માતાઃ કમલેશ ભુપતાણી અને ભાવના મોદી
  • સહનિર્મતાઃ અલીશા રફિક સોરઠીયા અને કુણાલ ભૂતા
  • દિગ્દર્શકઃ વિપુલ મહેતા
  • કલાકારોઃ સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી, રિતેશ મોઢ, અર્ચન ત્રિવેદી અને અમિષ કે તન્ના
  • સંગીતકારઃ સચિન જિગર
  • લેખકઃ અંકિત ત્રિવેદી, ભૂમિકા ત્રિવેદી

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter