‘ખમ્મા મારા નંદજીના લાલ’નો બંગાળી અનુવાદ ‘બાંધા રાધાર બાંશી તે પોરાન’

Wednesday 08th August 2018 06:49 EDT
 

રાજકોટ: વર્ષ ૧૯૪૪માં રવિન્દ્રનાથ ઠાકુર રચિત ‘રવીન્દ્ર-વીણા’ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘મન મોરી બની થનગાટ કરે..’ આપ્યું એવી રીતે ગુજરાતના ભક્તિ કવિ નરસિંહ મહેતા રચિત ‘ખમ્મા મારા નંદજીના લાલ’ ગીતનો બંગાળી ભાષામાં અનુવાદ કરાયો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે ગુજરાતી રચનાનો બંગાળીમાં અનુવાદ થયો હોય. ગુજરાતી કવિ હિમાંશુ રોયને આ વિચાર છ વર્ષ પહેલાં સ્ફૂર્યો હતો એ પછી આ શક્ય બન્યું છે.
સ્વ. હેમુ ગઢવી દ્વારા ગવાયેલા ‘ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી કાં રે વગાડી’ ગીતને બંગાળીમાં પણ રાસ ગરબાના જ ઢાળમાં રાખવામાં આવ્યું છે.
છએક વર્ષ સુધી બંગાળમાં રહેલા ગુજરાતી સાહિત્યપ્રેમી કવિ હિમાંશુ રાયે આ ગીતના બંગાળી અનુવાદ માટે બંગાળી કવયિત્રી અર્પિતા ભટ્ટાચાર્યનો સહયોગ લીધો હતો. ગીતના બંગાળી વર્ઝનને ગુજરાતી લોકગાયક હેમંત ચૌહાણના પુત્ર મયૂર તથા પુત્રી ગીતાબહેને કંઠ આપ્યો છે.
બંગાળમાં પણ કૃષ્ણભક્તિ પ્રસંગે અને આગામી જન્માષ્ટમીએ આ ગીત બંગાળીમાં ગૂંજતું થઈ જશે. ઉપરાંત ટૂંક સમયમાં જ આ ગીત યુ ટ્યૂબ પર મૂકવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter