‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...’ના રચયિતા પદ્મશ્રી કવિ દાદ શબ્દસ્થ થયા

Wednesday 28th April 2021 04:34 EDT
 
 

જૂનાગઢ: કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો... અમર રચનાના જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદનો સોમવારે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ દેહ છૂટી ગયો હતો. તેમના નિધનના સમાચાર મળતા ચારણ ગઢવી સમાજમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હજુ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ના તેમની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી. દરમિયાન ૧૦ થી ૧૨ દિવસ પહેલાજ તેમના મોટા દીકરા મહેશદાન ગઢવીનું કોરોનાથી મોત થયું હતું. આમ, પુત્ર બાદ પિતાએ વિદાય લેતા ગઢવી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવીનું મૂળ વતન વેરાવળ તાલુકાનું ઇશ્વરીયા ગામ છે. વર્ષ ૧૯૮૪થી ૮૯ દરમિયાન સ્વ. નારસીભાઇ પઢિયાર તેમને જૂનાગઢ લાવ્યા હતા. ૮૨ વર્ષીય દાદુદાન ગઢવી જૂનાગઢ કૃષિ યુનિર્સિટી સામેના અક્ષર મંદિર નજીકની રાજમોતી સોસાયટીમાં રહેતા હતા. જ્યારે યોગીભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, થોડા સમયથી તેઓ રાજકોટના પડધરી તાલુકાના ધુનાના ગામે રહેતા હતા.
કવિ દાદની યાદગાર રચના
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યોથી પ્રચલિત બનેલા કવિ દાદે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, કૈલાસ કે નિવાસી સહિતની અનેક રચના બનાવી હતી. રચના પર આઠ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. ૧૫ ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો ગવાયા છે.
પદ્મશ્રી એવોર્ડ લેવાનો રહી ગયો
કવિ દાદની ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧ ના પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ હતી. જોકે, હજુ તેને એવોર્ડ એનાયત થયો નથી. સંભવત: કોરોનાના કારણે એવોર્ડ વિતરણ કાર્યક્રમ થઇ શક્યો નહી હોય. કવિ દાદને પદ્મશ્રી પહેલાં ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter