‘ડ્રોનનો ખેતીમાં ઉપયોગ’ શોધપત્ર સાથે જૂનાગઢનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ

Wednesday 05th April 2017 08:00 EDT
 
 

જૂનાગઢ: દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર સંસ્થામાં એગ્રી વિઝન ૨૦૧૭ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં દેશભરનાં કૃષિ સ્નાતકોએ ભાગ લીધો હતો અને ૩૫૦ જેટલાં સંશોધન પત્રો રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે આધુનિક રિસર્ચ અંગે ૯૦ જેટલાં શોધપત્રો હતા. જેમાં જૂનાગઢનાં વિદ્યાર્થીઓ નિખિલ મેઠિયા અને પ્રિયાંક પાઘડારેએ રજૂ કરેલા ‘ડ્રોનનો ખેતીમાં ઉપયોગ’ રિસર્ચ વર્કને દેશમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. નિખિલે જણાવ્યું હતું કે, હજી પણ મોટાભાગનાં ખેડૂતો આપણા દેશમાં પરંપરાગત ખેતી કરે છે. પાકમાં સડો પેસે પછી તેના ઉપાય શોધવામાં સમય જાય છે અને ખેડૂતોને અંતે નુકસાન વેઠવું પડે છે. પાક વીમા પદ્ધતિમાં પણ પાકનું નિરીક્ષણ જૂની પદ્ધતિથી થાય છે. જેમાં આધુનિકીકરણ જરૂરી છે. અમારા રિસર્ચ વર્કમાં દર્શાવાયું છે કે, ડ્રોન પદ્ધતિથી પાકના ફોટોગ્રાફ લેવાય અને પાક અંગે તેમજ તેને થયેલા નુક્સાન અંગે જાણી શકાય.
૮ મિનિટમાં ૧ વીઘાની તસવીરો
ડ્રોન ૮ મિનિટમાં ૧ વિઘા જમીનના ફોટોગ્રાફ્સ ખેંચી શકે છે. હાલમાં એક વિઘાની તપાસમાં એક દિવસનો સમય જાય છે.
સૂર્યપ્રકાશના નિયમથી ડ્રોન ચાલશે
નિખિલે કહ્યું કે, ડ્રોનની મદદથી એનડીવીઆઇ ઇમેજ તૈયાર કરાશે. જેમાં લાલ, બ્લુ અને લીલો રંગ રહેશે. હવે સૂર્યપ્રકાશનાં નિયમ મુજબ રંગનું શોષણ થતું નથી. આથી એનડીવીઆઇ ઇમેજમાં પાકમાં જે જગ્યાએ નુકસાન થયું હશે ત્યાં લાલ રંગ દેખાશે. તેના આધારે પાકને બચાવવા વહેલી તકે આગળ વધી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter