• રાજકોટ દિલ્હીની ફ્લાઈટ એકાએક બંધ

Wednesday 15th March 2017 08:24 EDT
 

• રાજકોટ દિલ્હીની ફ્લાઈટ એકાએક બંધઃ અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે.
• રાજકોટનાં યુવરાજ સામે ચેક રિટર્નની પોલીસ ફરિયાદઃ રાજકોટ રાજ પરિવારના યુવરાજ માધાંતાસિંહજી જાડેજા સામે સ્થાનિક કોર્ટમાં વધુ એક વખત રૂ. ર.૬પ કરોડની રકમના ચેક રિટર્નના કેસની સુનાવણી છે. ઝવેરાતની પ્રખ્યાત પેઢી ત્રિભોવન ભીમજી ઝવેરીએ અદાલતમાં આજીજી કરતાં અદાલતે રાજકોટના યુવરાજ સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. યુવરાજ માધાંતાસિંહજીએ પુત્રના લગ્ન પ્રસંગે રૂ. ર.૮૬ કરોડના ઘરેણા બનાવવાનો ઓર્ડર ટીબીઝેડને આપ્યો હતો. દરમિયાન ઘરેણા તૈયાર કરી આપ્યા બાદ યુવરાજે રૂ. ર.૬પ કરોડની રકમના અલગ અલગ ચેકો આપ્યા હતા. જે ચેક જવેલર્સ પેઢીએ બેંકમાં વટાવવા નાંખતા તે વસૂલાયા વગર પરત ફરતાં અંતે એડવોકેટ મારફત અદાલતમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
• કેનાલમાં ડૂબેલા બે યુવાનોને શોધતાં બાળકીની લાશ મળીઃ સુરેન્દ્રનગરના દૂધરેજ ગામ પાસેના વડવાળા મંદિરે આવેલા જામજોધપુરના ચલવડી ગામના બે રબારી ભાઈ મહેશ ઉર્ફે મયલો રાજાભાઈ રાબા અને તેનો ભાઈ બાવલો નજીકની નર્મદા કેનાલમાં નાહવા જતાં ૧૨મીએ પાણીમાં ગરક થઈ ગયા હતાં. એ બન્નેની પાણીમાં શોધખોળ ચાલતી હતી ત્યારે છ વર્ષની બાળકીની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
• દરિયામાં પરિવારની બોટ ડૂબતાં સાત વર્ષનો બાળક ગુમઃ નાનાઅંબાલામાં રહેતા સંધી કાસમભાઈ ઇસ્માઇલભાઈ ગજણ તેમનાં પત્ની મરિયમબહેન, સાત વર્ષના પુત્ર સમીર અને પરિવારના ૧૧ સભ્યો સાથે કૌટુંબિક જમાઈ ઇસુબભાઈ હાસમભાઈ ધાવડાની ‘દરિયા એ મદિના’ નામની બોટમાં બેસીને ચુણસા પીરની માનતા ઉતારવા માટે દરિયામાં ગયા હતા. બોટ ખંભાળિયાના ચુડેશ્વર ગામ નજીક ગાંધિયો કાંઠો વિસ્તારમાં પહોંચી ત્યારે રાતના દોઢેક વાગ્યાના સુમારે બોટનું તળિયું તૂટ્યું હતું અને બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. જોકે બોટમાં બેઠેલા કાસમભાઈ સહિતના પરિવારજનો લાકડાની પેટીના સહારે તરવા લાગ્યા હતા. કાસમભાઈએ તેના સાત વર્ષના પુત્ર સમીરને ખભા પર બેસાડ્યો હતો, પણ વિશાળ મોજું આવતા તે દરિયાના વહેણમાં તણાઈ ગયો હતો અને હજુ સીધી એની ભાળ મળી નથી.
• જૂનાગઢ-મોરબીના ત્રણ પંપમાં ૧.૭૫ કરોડના બેનામી વ્યવહારોઃ રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લોકોનાં બેનામી આર્થિક વ્યવહારો અંગે મોટાપાયે સર્વે થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના બે અને મોરબીના એક પેટ્રોલપંપ ઉપર આરંભાયેલી આઈટીની તપાસમાં ૧૦મીએ જૂનાગઢના એક અને મોરબીના બે પેટ્રોલપંપમાંથી રૂ. ૧ કરોડ ૭૫ લાખના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના એક જ્વેલર્સ અને ડાઇંગ પ્રિન્ટરને ત્યાંથી પણ કેટલાક બેનામી રોકડ વ્યવહારો મળી આવ્યા છે.
• શેત્રુંજ્યની છ’ગાઉની યાત્રામાં ભાવિકોની ભીડઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં શૈત્રુંજ્ય પર્વતની પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી પાવન છ’ગાઉની મહાયાત્રા ૧૧મીએ આદેશ્વર દાદાના જયઘોષ અને જૈનમ જયંતી શાસનમના નારા સાથે સંપન્ન થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter