ગાંધીનગર: ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભરી દેતાં હવે બન્ને રાજકીય પાર્ટીએ પ્રહાર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાતમાં પ્રચારમાં ભાજપ-કોંગ્રેસમાંથી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે જ્યારે કલાકારોમાં ડ્રીમગર્લ હેમામાલિની, ઉર્મિલા માતોંડકર, નગમા, મનોજ જોષી, અમદાવાદના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલ અને તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાનારા શત્રુઘ્ન સિંહા રેલી-જાહેર સભાઓ સંબોધશે.
ભાજપના સ્ટાર પ્રચારોમાં રાજનાથ, અરુણ જેટલી, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારામન, ઉમા ભારતી, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે સિંધિયા ઉપરાંત સ્થાનિક પ્રાદેશિક નેતાઓ પ્રચાર કરશે જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘ, જ્યોતિરાદિત્ય સિંધિયા, લોકસભા વિરોક્ષ પક્ષના મલ્લિકાર્જુન ખડગે, નવજોતસિંઘ સિદ્ધુ, રાષ્ટ્રીય પ્રવક્તા કુમારી શૈલજા, રણદીપ સુરજેવાલ સહિતના નેતાઓ જાહેરસભા અને રેલીઓ કરશે. એકંદરે ૨૩મી એપ્રિલે મતદાન થાય તે પહેલાંના પ્રચારકાર્ય પૂર્ણ થવાના આશરે પખવાડિયા સુધી રાજ્યભરમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલશે.
મોદી જૂનાગઢ - સોનગઢમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા અંગે જાહેરાત કરાઈ હતી કે, ૧૦મી એપ્રિલે સવારે નવ કલાકે જૂનાગઢ અને બપોરે ૧૨ કલાકે સોનગઢમાં જાહેરસભાને સંબોધશે. જ્યારે કેન્દ્રીય રક્ષા પ્રધાન નિર્મલા સીતારામન સવારે ૧૧ કલાકે પ્રબુદ્ધ નાગરિક સંમેલન વડોદરામાં, આણંદમાં બપોરે ૩ કલાકે મહિલા સંમેલન અને સાંજે ૬.૩૦ કલાકે અમદાવાદ સાયન્સ સિટી રોડ પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંબોધશે. અમિત શાહના રોડ શોની જાહેરાત પ્રમાણે અમદાવાદમાં તાજેતરમાં જ તેમણે રોડ-શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોદીની એક જાહેર સભામાં બે લોકસભા બેઠકના મતદારો આવે તેવી વ્યવસ્થા પહેલેથી ગોઠવાઈ હોવાનું જાહેર થયું હતું. આગામી દિવસોમાં પણ ભાજપ આ રીતે પ્રચાર અભિયાન હાથ ધરીને મહત્તમ વિસ્તારને આવરી લેવાય તેવા પ્રયાસ થશે.
રાહુલ ગાંધી ૧૫મીએ સૌરાષ્ટ્રમાં
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૫મી એપ્રિલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જાહેર સભાને સંબોધશે. તેઓ એક દિવસમાં ત્રણ જેટલી સભાને સંબોધે તે રીતનું આયોજન થઈ રહ્યું છે. જોકે હજુ સ્થળ અને સમય હવે નક્કી થશે. પણ રાહુલ ગાંધી એક દિવસમાં સૌરાષ્ટ્રમાં જ ત્રણ લોકસભા બેઠક આવી જાય તે રીતે જાહેર સભાઓ થશે.


