કેવડિયા કોલોનીઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેવડિયાની મુલાકાત લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં આકાર લઇ રહેલી આ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)નું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દેશ અને વિદેશમાંથી આવતા રોજના ૧૫ હજાર સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાનો અંદાજ છે. સ્ટેચ્યુની કોંક્રિટનું ૧૦૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ફ્રેમિંગનું કામ ચાલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે. નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે લોખંડી પુરુષ વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે.
કામગીરી પૂર્ણ
• સ્ટ્રકચર સ્ટીલનું કમરથી નીચેનાં ભાગમાં ઇન્સ્ટોલેશન • કાંસુ લગાવવાનો ૫ ભાગ પૂરા અને આરસીસી કોર એ અને બીનું કામ
• આરસીસી કપલિંગ વોલનું કામ, ડ્રમ વોલ અને ફીન વોલનું કામ • સ્ટેચ્યુ બેઝનાં ઢળતા સ્લેબનું કામ • મેમોરિયલ અને વિઝિટર સેન્ટરનાં ઢાંચાનું કામ • મુખ્ય પુલનાં ડેક સ્લેબનું કામ અને શ્રેષ્ઠ ભારત ભવનનાં પાયા અને આરસીસીનું કામ
પ્રોજેક્ટની ખાસિયત
• ૩ ડિસેમ્બર ૨૦૧૪ પ્રોજેકટ શરૂ થયો
• ૧૮૨ મીટર ઊંચાઇ
• ૨૫૫૭૦ ચો. મીટર સ્ટેચ્યુનો સરફેશ વિસ્તાર
• ૧૫૨ મીટર ઉંચાઈ બેઇઝથી ગેલેરી
• ૩૮૫૦ મે.ટન સ્ટ્રક્ચર સ્ટીલ
• મુખ્ય પુલ ૩૦૦ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળો
• ૨૯૮૯ કરોડ રૂપિયા પ્રોજેક્ટની અંદાજિત રકમ
• ૧૩૪ કરોડ રૂપિયા શ્રેષ્ઠ ભારત ભવન
• ૧૭૯ કરોડ રૂપિયા રોડ અને મુખ્ય પુલ
• ૧૨૬ કરોડ રૂપિયા મેમોરીયલ વિઝન


