અમદાવાદ: ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને નિહાળવા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ કેવડિયામાં વધારે પ્રવાસી આવી રહ્યા છે. આ સ્થળ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું ફેમિલી હોલિડે ડેસ્ટિનેશન બની ગયું છે, જ્યાં બાળકો માટે ન્યૂટ્રિશન પાર્ક, આરોગ્ય વનની સાથે કેમ્પિંગ અને રિવર રાફ્ટિંગ જેવી તમામ સુવિધા મોજુદ છે.
નર્મદાના કિનારે સાપુતારા અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે આવેલું આ નાનકડું શહેર સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે લોકપ્રિય થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીની વિકાસ યોજના સાથે પ્રારંભથી સંકળાયેલા ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા કહે છે કે, આખા પરિવારને ધ્યાનમાં રાખીને આ સ્થળને મોડેલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું વિઝન વડા પ્રધાનનું હતું. બાદમાં કેવડિયાની ઈકોલોજી અને તેના વારસાને ધ્યાનમાં રાખીને તે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાયું. આ સ્થળનું સૌથી મોટું આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જેનો વિચાર પણ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જ હતો. આ સ્ટેચ્યુના કારણે જ અહીં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ વધારે પ્રવાસીઓ આવે છે.
કોરોના મહામારી પહેલા અહીં રોજ સરેરાશ ૧૩ હજાર પ્રવાસી આવતા, જ્યારે ગયા મહિને અહીં ૧૦ હજાર લોકો આવ્યા હતા. આ સ્થળ વિકસ્યા પછી અહીંના ત્રણ હજાર આદિવાસી યુવાનોને રોજગારી મળી છે. આડકતરી રીતે પણ બીજા દસ હજાર રોજગાર સર્જન થયા છે. તો મહિલાઓ માટે લઘુ ઉદ્યોગોની તકો સર્જાઈ છે.