રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહિલા સશક્તિકરણ માટે કાર્યરત અમદાવાદની સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે ‘સેવા’ સાથે વર્ષોથી સંકળાયેલા રેનાના ઝાબવાલાની તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુ.એન.ની મહિલા આર્થિક વિકાસ પેનલમાં નિમણૂક થઈ છે. આ પ્રસંગે ગુજરાત સમાચારે રેનાનાબહેનને અભિનંદન પાઠવવા સહિત વિષયલક્ષી ટેલિફોનિક વાતચીત કરી તેના અંશો અહીં ટાંકવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતી સંસ્થા સાથે કામ કરવાનો મોકો મળ્યો તેનાથી કેવી લાગણી અનુભવો છો?
મહિલા સશક્તિકરણ માટે વર્ષોથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી અમદાવાદની સંસ્થા ‘સેવા’ સાથે તો હું વર્ષ ૧૯૭૮થી સંકળાયેલી છું જ અને અમે આજ સુધીમાં સ્ત્રીઓને મુશ્કેલીકારક હોય એવા મુદ્દાઓના નિરાકરણ માટે કામ કર્યું જ છે, પણ સ્ત્રીઓ આર્થિક રીતે પગભર બને અને તેમની આર્થિક સ્થિતિની વૈશ્વિક ક્ષેત્રે નોંધ લેવાય એ માટેની પેનલનો ભાગ બનવા માટે મને સંયુક્ત રાષ્ટ્રોએ પસંદ કરી તેનો મને વધારે આનંદ છે. આજ સુધી સ્ત્રીઓ પર અત્યાચાર, સેક્ચુઅલ હેરેસમેન્ટની શિકાર કે સ્ત્રી પર બળાત્કાર જેવા મુદ્દાઓ પર જ સવિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. સ્ત્રીને મદદ કરવી, તેની દયા ખાઈને તેની સહાય માટે વિચારવું જેવા મુદ્દા હંમેશાં અગ્રીમ રહેતા હતા. મને ખુશી એ વાતની છે કે આ વખતે સ્ત્રીઓની ઇકોનોમિકલ પ્રોડક્ટિવિટીના વિષયે મને કામ કરવાની તક મળશે.
… તો આ મુદ્દે યુએન સાથે જોડાયા પછી કેવી ચર્ચાઓ તમારી સાથે થઈ છે?
હું એક ઉદાહરણ આપું તો આપણા દેશમાં ખેડૂત એટલે પુરુષ જ હોય એવું માની લેવાય છે જ્યારે ખરેખર તો સ્ત્રી ખેડૂતો ખેતરમાં વધુ મજૂરી કરે છે. ભારતમાં જેટલી કિસાનો માટેની સ્કિમ છે તેનો લાભ પણ પુરુષ ખેડૂત ભાઈઓ જ લઈ રહ્યા છે. એવી જ રીતે બીડીના કારખાનામાં કામ કરતી સ્ત્રીઓ, નાના ગૃહઉદ્યોગોમાં જોડાયેલી સ્ત્રી, સિવણકામ કરતી સ્ત્રીઓની આવકને નેશનલ સેમ્પલ સર્વેમાં અવગણવામાં આવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી રેશિયોમાં તેમનો ઉલ્લેખ સુદ્ધાં થતો નથી. યુ.એન. ઇચ્છે છે કે આ પ્રકારનું કામ કરતી સ્ત્રીઓ અને તેમનાં કામનો પણ જીડીપીમાં ઉલ્લેખ હોય. સ્ત્રીઓની પણ આર્થિક વિકાસમાં ભાગીદારી હોય અને તેની નોંધ પણ લેવાય.
સ્ત્રીઓની આર્થિક સ્થિતિ તમારી નજરે ભારતમાં અત્યારે કેવી સ્થિતિ છે?
ખરેખર કહું તો સ્ત્રીઓને પોતાને જ પોતાનામાં વિશ્વાસ નથી. તેમનામાં આત્મવિશ્વાસની કમી દેખાય છે. જેના લીધે આર્થિક ક્ષેત્રે તેમની સાથે પક્ષપાત થાય છે. સરેરાશ કોઈ એક કામ માટે પુરુષને એક રૂપિયો મળે છે તે જ કામ માટે સ્ત્રીને ૬૦ પૈસા ચૂકવાય છે. તમને નવાઈ લાગશે પણ ભારત સરકાર દ્વારા આ મુદ્દા માટે છેલ્લા ત્રણ દાયકાથી યોજનાઓ બનાવવામાં આવે છે, પણ યોજનાઓ સફળ રહી હોય એવું ભાગ્યેજ બને છે. એનું એક કારણ એ પણ છે કે કોઈ સંસ્થા કોઈ સારી યોજના બનાવે તે સરકારને સારી લાગે તો સરકાર તેને હસ્તગત કરી લે છે, પછી અમલદારીશાહીની જેમ એ યોજના કે પગલાં ટેકઓવર કર્યા પછી સંસ્થા જે નિષ્ઠાથી એ યોજના પર કામ કરતી હોય તે રીતે સરકાર ન કરી શકે કે ન કરે અને યોજના ઠપ્પ થઈ જાય. જોકે સ્ત્રીઓ આર્થિક ઉપાર્જનમાં ભાગીદાર છે એ જ મુદ્દાની જાગૃતિ માટે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ કેળવાય એ માટે ‘સેવા’ દ્વારા બે દિવસીય વર્કશોપ અમે ચલાવતા જ આવીએ છીએ. જેમાં સ્ત્રીઓને સમજાવાય છે કે પરિવાર અને દેશમાં આર્થિક ઉપાર્જનમાં ફાળો કેવી રીતે છે? અલબત્ત, સ્ત્રીઓએ જાતે પણ આ માટે સજાગ બનવું પડે એવું પણ હું દૃઢપણે માનું છું. તેના માટે સ્ત્રીઓએ પોતાના હક માટે સંગઠિત થવું પડે. વળી, તેઓ આર્થિક રીતે ઉપાર્જન માટે સક્ષમ છે તેવું બેકિંગ પણ તેમને મળવું જોઈએ.
અન્ય દેશો કરતાં ભારતમાં આ સ્થિતિ વિશે તમારું શું કહેવું છે?
ભારતમાં પણ સ્ત્રીઓનું આર્થિક ભાગીદીરી ક્ષેત્રે સ્થાન બહુ ઊંચું અંકાતું નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક દેશોની તુલનામાં અહીં પરિસ્થિતિ સારી કહી શકાય તેવી છે. એ વિશેની ચર્ચા યુ.એન.માં જોડાયા પછી મારે યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન સાથે પણ થઈ હતી. અન્ય દેશોની સ્ત્રીઓની સરખામણીએ ભારતમાં સ્ત્રી સંગઠનો ઘણાં મજબૂત છે અને સંગઠનો ઝડપથી પણ બને છે. સ્ત્રીઓને પણ ઉચ્ચસ્તરીય આર્થિક વિકાસમાં રસ છે અને તેઓ તેના માટે સજાગ પણ થઈ રહી છે.
યુ.એન. સાથે તમે અન્ય ક્યા ક્યા દેશો માટે આ અંગે ચર્ચા કરી છે?
સાઉથ એશિયાના દેશોની મહિલાના આર્થિક સ્થાન અને વિકાસ અંગે અમે સારી એવી વિચારણા કરી હતી. બંગ્લાદેશ, શ્રીલંકા સહિતના કેટલાક દેશોમાં આ મુદ્દે હોમ નેટવર્ક ઊભું કરવાનો મુદ્દો તેમાં મુખ્ય હતો. અલગ અલગ સંગઠન સાથે જોડાણથી પાંચ કરોડ જેટલી વ્યક્તિઓનું નેટવર્ક કાર્યરત છે જ તેના વિકાસની ચર્ચા યુએન સાથે થઈ હતી. જેમકે Women Economic Mobilization Agency 'WEMA' હાલમાં આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સંશોધન કરી જ રહી છે.
આ અંગે ફન્ડિંગની વ્યવસ્થા કેવી રહેશે? ભારતમાં સરકાર, અન્ય એનજીઓનો સાથ જેવા પાસાંની વિચારણા થઈ છે?
અફકોર્સ, અલબત્ત યુ.એન.ની કામગીરી બહુ સ્પષ્ટ હોય છે. પહેલાં પોલીસી નક્કી થાય. એ પછી દિશાનિર્દેશ અને પછી એ પાલીસીનો અમલ કેવી રીતે થશે? એ પછી ફન્ડિંગ ક્યાંથી આવશે? અને સ્ત્રીઓના આર્થિક મુદ્દે પણ અન્ય એનજીઓને સાંકળીને કામ લેવાની વિચારણા પણ છે જ.
સ્ત્રીઓનાં જ ઉચ્ચસ્તરીય આર્થિક વિકાસની વાત ચાલી રહી છે ત્યારે એક સવાલ થાય કે ગુજરાતમાં આંગણવાડીની બહેનો નોકરીમાં કાયમી થવા માટે ઝૂંબેશ ચલાવી રહી છે તો આ બાબતે તમે શું કહેશો?
આંગણવાડીની બહેનોની સ્થિતિ તો ખરેખર બહુ કફોળી છે. એક તો તેમને મિનિમમ વેજિસ મળે છે. માનદ વેતન. એમાંય માનદ વેતન પણ તેમને પૂરેપૂરું મળે છે કે નહીં એની શંકા છે. આવામાં બહેનોએ સંગઠિત થઈને પોતાના મુદ્દા સરકાર સમક્ષ ચોક્કસ મૂકવા જોઈએ અને તેનું નિરાકરણ પણ આવવું જ જોઈએ.
આપ પદ્મશ્રી સન્માનિત છો અને દેશમાં હાલમાં અસહિષ્ણુતાના મુદ્દે ભારે વિવાદ ચાલે છો તો...
કોમી તંગદિલી તો ગુજરાતે ક્યાં ઓછી જોઈ છે? સિત્તેર, એંશી, નેવું અને પછી ૨૦૦૨માં ગોધરાકાંડ. કોમી રમખાણો તો થયાં જ છે. દુઃખની વાત એ છે કે તેમાં હજી વધારો થઈ રહ્યો છે, પણ એના લીધે એવોર્ડ પાછા આપીને દિલની વાત મૂકવી વાજબી નથી. વાયલન્સનો ઓપોઝ તો થવો જ જોઈએ, પણ એના માટે આ રસ્તો ખોટો છે.


