ગાંધીનગરઃ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભારત સરકારે વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને સાત ગુજરાતીઓને પદ્મશ્રીનું સન્માન આપવાનું જાહેર કર્યું છે. જેમાં રંગમંચના તખ્તેથી ગુજરાતી ભાષા, જીવનને પ્રસ્તુત કરનારા યઝદી કરંજિયા, અભિનેત્રી સરિતા જોષી તેમજ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો પણ સમાવેશ થાય છે. સ્થપતિ બાલકૃષ્ણ દોશી સ્થાપત્ય શિક્ષણ માટે અમદાવાદમાં આવેલી સેપ્ટમાં જોડાયેલા છે. વેપાર અને ઉદ્યોગની શ્રેણીમાં ગફુરભાઈ બિલાખિયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના એચ. એમ. દેસાઈ, વિજ્ઞાન અને ઈજનેરી ક્ષેત્રે આઈઆઈટી-જીના ડાયરેક્ટર સુધીર જૈન, નાટય ક્ષેત્રે યઝદી નૌશિરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નારાયણ જોષી, હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ તેમજ મેડિસિન ક્ષેત્રે ડો. ગુરદીપ સિંહની પદ્મશ્રી સન્માન માટે પસંદગી ગુજરાતમાંથી કરાઈ છે.
ગુજરાતી અને હિંદી નાટ્ય, ફિલ્મ અને ટીવી ક્ષેત્રે સંકળાયેલાં અભિનેત્રી સરિતા જોષીને પણ મહારાષ્ટ્રમાંથી પદ્મશ્રી સન્માન માટે પસંદ કરાયાં છે. તેવી રીતે ગુજરાતી જગદીશ શેઠ (યુએસ નિવાસી)ને પણ પદ્મ સન્માન માટે ભારત સરકારે પસંદ કર્યા છે.
આશ્ચર્ય અને આનંદઃ દોશી
સ્થપતિ બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણની જાહેરાત થઈ તે અંગે તેઓએ જણાવ્યું કે, મને ખબર નહોતી કે મારું નામ નોમિનેટ થયું છે. મને એક ફોન દ્વારા આ અંગે જાણ થઈ હતી. આ જાહેરાતથી મને આશ્ચર્ય અને આનંદ છે. તમારા કામ બદલ તમારા દેશ તરફથી આવું સન્માન તમને મળે તેનાથી મોટી બીજી મોટી વાત કઈ હોઈ શકે? આ સન્માનથી મારો કામ કરવાનો ઉત્સાહ વધશે અને અન્યોને પણ તેમાંથી પ્રેરણા મળશે. હું હોંશથી એવોર્ડ લેવા જઈશ. હાલ તો મેં મારા પરિવાર સાથે ભોજન લઈને ઉજવણી કરી છે. બાકી આ આનંદને શબ્દોમાં મૂકીને તેને સીમિત કરી ન શકાય.
સતકર્મોનું વળતરઃ ડો. દેસાઈ
નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એચ. એમ. દેસાઈએ જણાવ્યું કે, આ એવોર્ડ વ્યક્તિગત નથી. હું સામાજિક સેવાનું કાર્ય કરું છું. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કર્મને મહત્ત્વ આપ્યું છે. સુકર્મો કરતા રહેવું જોઈએ જેનો બદલો ભગવાન આપે જ છે.


