ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે તબક્કા વાર ઉમેદવારો ચૂટણીજંગમાં ઉતારવાનું શરૂ કરતાં જ ભાજપમાં ઉમેદવારોમાં અસંતોષ દેખાયો હતો. ૬ મહાપાલિકાની ચૂંટણી માટે ચોથી ફેબ્રુઆરીએ બપોરથી તબક્કાવાર ૫૭૫ ઉમેદવારોનાં નામોની યાદીઓ ભાજપે જાહેર કરતાં રાજકોટમાં ૭૨ ઉમેદવારોનાં નામ વાંચી ટિકિટની માગ કરનારા સમર્થકોમાં રોષ ભડક્યો હતો.
જનસંઘી હોવાનો દાવો કરનારા અનિલ જોશીએ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને બેફામ ગાળો ભાંડી હતી. જામનગર, ભાવનગરમાં પણ નામો જાહેર થતાં ગયાં તેમ તેમ અસંતોષ વધતો ગયો.
ચોથીએ મોડી રાતે સુરતમાં ચૂંટણી લડવા આયાતીઓને ઉમેદવાર તરીકે જાહેર કરતાં સખત વિરોધ થયો હતો અને કાર્યકરોએ આઈકાર્ડ સહિત પક્ષ પ્રચાર સાહિત્યની હોળી કરી હતી.
ભાજપના જાહેર કરાયેલા માપદંડ પ્રમાણે, ૩ ટર્મવાળા, ૬૦ વર્ષ વટાવનારા, પૂર્વ મેયર, હોદ્દેદારોનાં સગાં - સંબંધીઓ સહિત ડિસેમ્બર – ૨૦૨૦ સુધી કોર્પોરેટર રહેલા ૨૭૬ને ટિકિટ આપી નથી. છતાં અમદાવાદ અને વડોદરામાં પૂર્વ પ્રધાન, પૂર્વ મેયર, કોંગ્રેસમાંથી આવેલાના નેતાઓનાં પુત્ર - પુત્રીઓને ટિકિટ આપ્યાના અનેક કિસ્સા દેખાયા છે.
ભાવનગરમાં ૪થીએ સવારે કોંગ્રેસમાંથી સવારે રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર ગીતાબહેન મેરને બપોરે ભાજપના કમળ સાથે ચૂંટણી લડવા મેદાને ઉતારાયાં હતાં! બીજી તરફ જામનગરમાં પૂર્વ મેયરના પુત્રને ટિકિટ અપાતાં ભાજપના કાર્યકરો ભડક્યા અને છેવટે ગણતરીના કલાકોમાં જ પ્રદેશ ભાજપને ઉમેદવારો બદલવા પડયા. ભાજપે રાજકોટમાં ગાળાગાળી કરનાર વોર્ડ પ્રમુખ સહિત બે આગેવાનોને સસ્પેન્ડ કરવાના આદેશો આપ્યા હતા. અમદાવાદમાં પણ મોડી રાતે ટિકિટ કપાયાનો રોષ દેખાતાં પ્રદેશમાંથી નેતાઓને રોષ ઠાલવા મેદાને ઉતારવા પડયા હતા.
ભાજપનો આંતરિક સરવેઃ ૭૦ ટકા સીટ મળે તેવી શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેના સરવેમાં ભાજપને ૭૦ ટકા જેટલી બેઠકો મળી શકે તેવું ચિત્ર રજૂ થયું છે. જોકે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપ માટે પડકારજનક સ્થિતિ મનાય છે.
રાજકીય વિશેષજ્ઞો જણાવે છે કે, વર્ષ ૨૦૧૫ની સરખામણીએ આ વખતે ભાજપને સામાજિક પરિબળોને સામનો કરવો પડે તેવી સ્થિતિ નથી, પરંતુ સ્થાનિક પરિબળો અને પડકારો તો છે જ. ભાજપ મહાનગરપાલિકા ઉપરાંત ૩૧ જિલ્લા પંચાયતોમાં પણ ક્લિન સ્વાઈપનું લક્ષ્યાંક રાખે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધ્યાન ન અપાય તો લક્ષ્યમ મુશ્કેલ છે. કેટલીક નગરપાલિકાઓમાં પણ આંતરિક વિખવાદને કારણે ભાજપ માટે વિપરીત પરિણામ આવી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના સગાવહાલાને ટિકિટ આપવા માટે કરાયેલા પ્રયાસને કારણે કાર્યકરોમાં રોષ છે.
આમ આદમી પાર્ટીની ગણતરી પ્રત્યક્ષ રીતે હરીફ પાર્ટી તરીકે ન થતી હોય, પણ ભાજપ તેના ઉપર નજર રાખી રહી છે. શહેરી વિસ્તારોમાં થોડી સંખ્યામાં પણ જો આપ અને અપક્ષો બેઠકો મેળવી લે તો તોડ – જોડ સર્જાઇ શકે. તેનાથી વિપરીત ગ્રામ્ય વિસ્તારોમાં આપ, એઆઇએમએમઆઇ જેવી પાર્ટીઓ અને અપક્ષો કોંગ્રેસના વોટ છીનવે તેવી શક્યતા વધારે હોવાથી ભાજપ તેનો ફાયદો મેળવવા એક્શન પ્લાન તૈયારી કરી રહ્યું છે.
અમિત શાહ ચૂંટણી પ્રચારમાં નહીં જોડાય
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ’ નારો આપવા સાથે થિમ સોંગ પણ લોંચ કર્યું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉમેદવારોને ઝંઝાવતી પ્રચારની સૂચના પણ અપાઈ છે. વિકાસના મુદ્દાને આગળ ધરીને ભાજપ ફરી એકવાર મતદારોને રિઝવવા પ્રયાસ કરશે. ચૂંટણી પ્રચારમાં કેટલાક કેન્દ્રીય નેતાઓ પણ જોડાશે. ૧૧મીથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે, પરંતુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જોડાય તેવું જાહેર કરાયું છે.
ધારાસભ્યોને જાણે ઘરની જ ગંગાઃ બેએ પોતાના પીએને પણ ટિકિટ અપાવી
અમદાવાદ: અમદાવાદ પાલિકાની ચૂંટણી માટે ભાજપે ચોથીએ ૧૯૨ ઉમેદવારની યાદી જાહેર કરી હતી. જેમાંથી માત્ર ૪૨ કોર્પોરેટર રિપિટ કરાયા હતા. એકમાત્ર અમદાવાદના બોડકદેવ વોર્ડમાં ૨૦૧૫ના ચારેય ઉમેદવાર રિપિટ થયા.
ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન નેતા સહિતના હોદ્દેદારોની ટિકિટ ૩ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટાવાને લીધે અથવા ૬૦થી વધુ વય હોવાથી કપાઈ છે. સગાને ટિકિટ નહીં આપવાની પ્રદેશ પ્રમુખની જાહેરાતનો છેદ પણ ઉડ્યો છે. કેટલાક વોર્ડમાં ભાજપી અગ્રણીઓનાં સગાઓને જ ટિકિટ આપવામાં આવી છે.
૨૦૦૧થી અત્યાર સુધીમાં ભાજપના કાર્યકાળમાં પહેલી વાર એવું બન્યું છે કે અમિત શાહ અને આનંદીબહેન પટેલના જૂથનું પત્તું સાવ કપાઈ ગયું છે, જ્યારે મોટાભાગના ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક ધારાસભ્યોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. બલરામ થવાણીના પીએ રાજેશ રવતાણી અને રાકેશ શાહના પીએ નીરવ કવિ અને જગદીશ પંચાલના અત્યંત નજીકના વ્યક્તિને ટિકિટ અપાઈ છે. વર્ષ ૨૦૧૫માં હારેલા ૩ ઉમેદવારોને પણ ટિકિટ મળી છે જ્યારે એક ટર્મના વિજેતાની ટિકિટ કપાઈ છે.


