અમદાવાદઃ રાજ્યમાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગાજી રહી છે અને આ ગાળામાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે નવા નવા પ્રયોગો પણ શરૂ કરી દીધાં છે. એક સર્વે મુજબ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ રાજ્યમાં કુલ ૩૦૦થી વધુ સભા સંબોધશે. મહાનગરપાલિકાઓની ચૂંટણીપ્રચાર માટે સમય મર્યાદા ૨૦ નવેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધીની છે અને પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓનો પ્રચાર ૨૭ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. છ મહાનગરપાલિકા, ૨૩૦ તાલુકા પંચાયત, ૩૧ જિલ્લા પંચાયત અને ૫૬ નગરપાલિકાની ચૂંટણી માટે દરેક સ્થાને જાહેરસભા યોજવા ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની મોટી ફોજ ઉતારે તો પણ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. તેથી ૧૪ નવેમ્બરથી પ્રચાર શરૂ થશે.
૯૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોની કુલ ૮,૪૩૪ બેઠકો માટે ખરાખરીનો જંગ ખેલાવાનો છે તેમાં હવે એક ટકો બેઠક ઉપર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ પક્ષના ઉમેદવારો ન રહેતાં વિજયી જાહેર કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૨૩ હજાર જેટલાં ઉમેદવારો મેદાનમાં છે. જેના પરિણામો બીજી ડિસેમ્બરે જાહેર થવાના છે. જેમાંથી ભાજપના ૯૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
OBC, દલિત, લઘુમતી નેતાઓની બોલબાલા
અનામતના મુદ્દે પાટીદારો ભાજપની નારાજ છે પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના કટ્ટર ગણાતાં પાટીદાર મતો અંકે કરવાની ગણતરીમાં છે. બીજી તરફ, ભાજપે ઓબીસી, એસટી, એસસી, દલિત મતદારો પર નજર ઠેરવી છે.
પાસ નીતીશકુમારને ગુજરાત બોલાવાશે
બિહારની ચૂંટણીમાં ભાજપના ઝંઝાવાત સામે વિજય મેળવનારા નીતીશકુમાર પાટીદાર હોવાથી પાટીદાર આંદોલનકારીઓએ નીતીશને ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે. અગાઉ પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ ઓક્ટોબરમાં ચૂંટણી પ્રચાર વખતે જ ચાર મહાસભા અને પટણામાં અનશન કરવાની જાહેરાત કરી ચૂક્યા હતા. હવે આંદોલનકારીઓ કોઈ પણ ભોગે ભાજપને ગુજરાતમાં પરાજયનો સ્વાદ ચખાડવા મરણિયા
પ્રયાસો કરી રહ્યા છે અને નીતીશકુમાર ચૂંટણી પહેલા એક વખત ગુજરાતમાં આવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.