અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ૧૩૨ જેટલી બેઠકોની ચૂંટણી ૨૭મી નવેમ્બરે યોજાઇ રહી છે. જેમાં જીતવા માટે ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી રહ્યા છે, પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે રૂ. ૫૦૦-૧૦૦ની ચલણી નોટોને રદ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી હોઇ બંને પક્ષોની તાકાતનાં પારખા થઇ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને ઘણા લોકો સારો તો અનેક લોકો ખરાબ ગણાવી રહ્યા છે. શરૂઆતમાં આ નિર્ણય દેશ માટે ફાયદાકારક હોવાનું જણાવનારા લોકો હવે ફરી ગયા છે. લાંબી લાઇનોથી કંટાળેલા લોકોને લાગે છે કે ૫થી ૧૦ ટકા લોકો પાસેનું બ્લેક મની કઢાવવા ૯૦ ટકાથી વધુ લોકોને હેરાન કરવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં ૨૭મી તારીખે રાજયની કુલ ૧૩ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં વલસાડ નગરપાલિકાની ૪૪, સુરતના કનકપુર નગરપાલિકાની ૨૮, ગોંડલ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો છે. જયારે ૧૮ નગરપાલિકામાં અને ૭ જિલ્લા પંચાયતમાં તથા ૧૫ તાલુકા પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ બંને મુખ્ય પક્ષો માટે પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બ્લેક મની જ રહેશે.


