સ્પેશ્યલ સુરક્ષા વગર જ મોદીએ મોટાભાઈના ઘરે જઈને હીરાબાના ચરણસ્પર્શ કર્યાં

Wednesday 20th September 2017 08:22 EDT
 
 

ગાંધીનગરઃ વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પણ નરેન્દ્ર મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાં જન્મદિને માતા હીરાબાના ચરણસ્પર્શ કરીને દિનચર્યાનો આરંભ કરવાની પરંપરા અકબંધ રાખી હતી. રવિવારે મોદીએ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના (એસપીજી) સુરક્ષા કવચ વગર જ ગાંધીનગર રાજભવનથી રાયસણ સ્થિત પોતાના ભાઈના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા.
વિશ્વકર્મા જયંતિના દિવસે સવારે ૯ કલાકે કેવડિયા કોલોની સ્થિત નર્મદા બંધને રાષ્ટ્ર સમર્પિત કરતા પહેલાં સૂર્યોદય બાદ તરત જ સવારે છ વાગે વડા પ્રધાનના કાફલાની માત્ર એક જ કારમાં મોદી રાયસણ સ્થિત ભાઈના નિવાસે જવા નીકળ્યા હતા. ૬-૧૫ કલાકે વૃંદાવન બંગલો પહોંચેલા મોદીએ તુરત જ માતા હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમનાં આશીર્વાદ લીધાં હતા.
લગભગ ત્રીસેક મિનિટનો સમય માતા અને ભાઈના પરિવાર સાથે વિતાવ્યા પછી તેઓ પોણા સાતેક કલાકે પાછા રાજભવન આવી પહોંચ્યા હતા.
દિલ્હીથી ૧૬મીએ રાત્રે ગાંધીનગર પહોંચેલા મોદી હીરાબાના આશીર્વાદ લીધા પછી સવારે સવા આઠ કલાકે સચિવાલય હેલિપેડથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા કોલોની જવા રવાના થયા હતા. ત્યાંથી ડભોઈ અને પછી અમરેલી પહોંચ્યા હતા.
પાછળની સીટમાં કોણ હતું?
રાજભવનથી વૃંદાવન બંગલા આવેલા મોદી ડ્રાઇવરની પાસે ડાબી બાજુ બેઠા હતા અને આ કારમાં ડ્રાઇવરની પાછળની સીટમાં રાજકારણી જેવી કોટી પહેરીને કોઈક બેઠું હતું.
તે કોણ હતું તે ચર્ચાનો વિષય છે. રાજભવનની રાયસણ વચ્ચેના રહેણાક વિસ્તારમાં નાગરિક અવરજવરને વિક્ષેપ ન સર્જાય તે ઉદ્દેશથી વડા પ્રધાને એસપીજી કે સ્થાનિક સલામતી વ્યવસ્થાનો ઇનકાર કર્યા હોવાનું કહેવાય છે. આથી તેમની કારમાં પાછળની સીટમાં કોણ બેઠું હતું તેનાથી સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ સાવ અજાણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter