અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ રૂ. ૭૫૦૯ કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ૨૩મીએ રજૂ કર્યું હતું. નવું બજેટ સ્માર્ટ અમદાવાદની થીમ ઉપર જાહેર કર્યું છે. નવા વર્ષમાં રૂ. ૫૦૦ કરોડના નવા બોન્ડ સાથે ૧૦૦૦ નવી ઈલેક્ટ્રિક બસ, ૩૦૦ કરોડના ખર્ચે પીરાણા ડમ્પિંગ સાઇટનું રિમિડિયેશન, રૂ. ૫૦૦ કરોડના ખર્ચે સાબરમતી નદીનું શુદ્ધિકરણ, રૂ. ૨૬૦ કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું કામ, રૂ. ૮૦૦ કરોડના ખર્ચે નવા મલ્ટી લેવલ પાર્કિંગ, પાંચ નવા સ્વીમિંગ પુલ, ૧૦૦ વોટર એટીએમ, ૨૦૦ સ્માર્ટ ટોઈલેટ અને ગરીબ મધ્યમવર્ગ માટે ૯૦૦૦૦ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારીના કેન્દ્ર સ્થાને રાખી હાથ ધરવામાં આવેલા વિવિધ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટના અમલીકરણના કારણે શ્રેષ્ઠ શહેરની યાદીમાં અમદાવાદનું નામ છે. નવા બજેટમાં અત્યાધુનિકરણ, દરેક વર્ગને પોસાય, પરિવર્તનને સહજતાથી સ્વીકારી શકે તેવું સ્થિતિ સ્થાપક અને આધુનિક ટેક્નોલોજી પર બજેટ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી વર્ષમાં નવા પડકારો ટ્રાફિક, હવાનું પ્રદૂષણ, પીરાણા ડમ્પિંગ સાઇટ, સાબરમતી શુદ્ધિકરણ અને સ્વચ્છતા છે. તેના માટે પાંચ જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે. જેમાં મોર્ડન અમદાવાદની થીમમાં રિવરફ્રન્ટમાં અદ્યતન સુવિધા સાથેનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાંચ નવા સ્વીમિંગ પુલ, જુદી જુદી ૧૦ જગ્યાએ ટેનિસ કોર્ટ, હયાત ગાર્ડનમાં ઉમેરો કરી ૧૦ નવા ગાર્ડન બનાવવામાં આવશે.

