સ્વ. કેશુભાઈ પટેલને પદ્મભૂષણ, સ્વ. ફાધર વાલેસ તથા સ્વ. મહેશ - નરેશ કનોડિયાની જોડીને પદ્મશ્રી

Tuesday 26th January 2021 09:36 EST
 
 

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિએ દેશના સૌથી ગૌરવવંતા પદ્મ એવોર્ડ વિજેતાની યાદી ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરી હતી. તેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મ ભૂષણ તથા મુંબઈમાં વસેલા યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડના સીએમડી તથા ૨૦૧૯માં ભારતના ૮૭માં સૌથી ધનાઢયનું સ્થાન મેળવનારા કચ્છી રજનીકાન્ત શ્રોફને પદ્મ ભૂષણ એવોર્ડ જાહેર કરાયો હતો. મહેશ - નરેશ કનોડિયાની સ્વર્ગસ્થ જોડીને, સ્વ. કવિ દાદ, સાહિત્યકાર ચંદ્રકાંત મહેતા, સવાયા ગુજરાતી સ્વ. ફાધર વાલેસ અને ‘લિજ્જત’ પાપડના સંસ્થાપક સાત મહિલામાંથી એક - હાલમાં મહારાષ્ટ્રમાં રહેતાં ગુજરાતી જસવંતીબહેન પોપટને પદ્મશ્રી પુરસ્કારની ઘોષણા કરાઈ હતી.
રાષ્ટ્રપતિએ મંજૂર કરેલી ૧૧૯ પદ્મ એવોર્ડની યાદી દેશના ગૃહ મંત્રાલયે ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પ્રસિદ્ધ કરી હતી. જેમાં ૭ પદ્મવિભૂષણ, ૧૦ પદ્મ ભૂષણ અને ૧૦૨ પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં ૨૯ મહિલા છે અને ૧૦ વિદેશી નાગરિક કે એનઆરઆઈ, ૧૬ને મરણોત્તર એવોર્ડ વિજેતા છે. એક ટ્રાન્સજેન્ડર છે.

અમદાવાદની કિશોરીને વડા પ્રધાન બાળ પુરસ્કાર

રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અમદાવાદની ૧૫ વર્ષીય ખુશી પટેલને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાઇ છે. ૨૦૧૬માં તેણે ચીનમાં ૧૭થી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ૨૦૧૮માં દક્ષિણ કોરિયામાં યોજાયેલી એશિયન રોલર સ્કેટિંગ અંડર-૧૯ ટુર્નામેન્ટમાં ખુશી ચોથી ક્રમે રહી હતી. આ ઉપરાંત તે ફ્રાન્સમાં આર્ટિસ્ટિક સ્કેટિંગ વર્લ્ડ અંડર-૧૯ ચેમ્પિયનશિપમાં ૨૫મા ક્રમે રહી હતી. વિશાખાપટ્ટનમમાં આયોજિત નેશનલ લેવલની આર્ટિસ્ટિક એન્ડ ફિગર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter