સ્વ. ભૂપતભાઇ પારેખ લાયન ઓફ જર્નાલિઝમ હતાઃ શંકરસિંહ વાઘેલા

Monday 23rd December 2019 16:53 EST
 
 

અમદાવાદઃ સ્વર્ગસ્થ શ્રી ભૂપતભાઇ પારેખ એક એવું વ્યક્તિત્વ હતા જેમણે હંમેશા લોકોને કંઇક આપ્યું છે, અને તે પણ નિઃસ્વાર્થભાવે. સંતાનોને સંસ્કારવારસો આપ્યો છે તો સમાજને પત્રકારત્વના માધ્યમથી મદદરૂપ થયા છે. દસકાઓ પૂર્વે તેઓ પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારથી તેમની સાથે બંધાયેલો સંબંધ આજપર્યંત જળવાયો છે. નિડર - સ્વાભિમાની અને નખશીખ પ્રામાણિક ભૂપતભાઇ ક્યાંય - કંઇ ખોટું હોય તો ગમેતેવા ચમરબંધીને પણ મોઢામોઢ સંભળાવી દેતા ખચકાતા નહીં. આથી જ ઘણાને તેઓ આકરા અને આખાબોલા લાગતા હતા. મીડિયા - પત્રકારો સાથે સોદાબાજી નવાઇની વાત નથી, પરંતુ ભૂપતભાઇએ ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ કરી નથી. તેઓ લાયન ઓફ જર્નલિઝમ હતા, પત્રકારત્વના ભિષ્મપિતામહ હતા.
આ શબ્દો છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એનસીપીના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાના. ૮૪ વર્ષની વયે ૧૮ ડિસેમ્બરે અરિહંતશરણ થયેલા વરિષ્ઠ પત્રકાર અને હિન્દુસ્તાન સમાચાર એજન્સીના વડા સ્વ. ભૂપતભાઇ પારેખની સ્મૃતિમાં શુક્રવારે માણેકબાગ હોલમાં પ્રાર્થના સભા યોજાઇ હતી. જેમાં પત્રકારજગતથી માંડીને રાજકીય પક્ષોના નેતાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શંકરસિંહજીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે સરલાબહેનની વિદાય બાદ ભૂપતભાઇનું આરોગ્ય કથળ્યું હતું, પરંતુ સંતાનોએ તેમની જે કાળજી લીધી છે તે નોંધનીય છે.
કેન્સર નિષ્ણાત ડો. પંકજ શાહે કહ્યું હતું કે પારેખ પરિવાર સાથેનો મારો ઘનિષ્ઠ નાતો શ્રી ભૂપતભાઇ સાથેના જીવંત સંપર્કના કારણે બંધાયો છે. તેઓ કેન્સર સંબંધિત આયોજનોની જાણકારી માટે મારો સંપર્ક કરે, અમે હોસ્પિટલની સામે આવેલી ઇટાલિયન બેકરીમાં જઇને બેસીએ, હું તેમને જાણકારી આપું અને તેઓ આ માહિતી અખબારી માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. હું કોન્ફરન્સ માટે લંડન જવાનો હોઉં તો તરત કહે કે ત્યાં જાવ છો તો સી.બી. પટેલને ખાસ મળજો. આવી આત્મીયતા સાથે સંબંધોમાં કડીરૂપ પણ બને. આ પરિચય સમયના વહેવા સાથે ગાઢ બન્યો. આજે ભાવેશ મને પિતાસમાન માને છે તો મારા માટે તે પણ પુત્રસમાન જ છે. પિતાના સમાજસેવાના આ ગુણો પુત્ર ભાવેશમાં પણ ભારોભાર દીપી ઉઠ્યા છે.
સદવિચાર પરિવારના અમારો કાર્યક્રમોમાં ભાવેશની મહેનત અને યોગદાનનો જોટો જડવો મુશ્કેલ છે. આમ પારેખ પરિવાર પાસેથી અમે ઘણું મેળવ્યું છે. શરીર તો સાધનમાત્ર છે, પણ આત્મા અમર છે. આમ ભૂપતભાઇ સદૈવ આપણી વચ્ચે રહેવાના જ છે.
માંચેસ્ટરથી આવેલા સાળા શ્રી જયેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે શ્રી ભૂપતભાઇ પરિવારપ્રેમી વ્યક્તિ હતા. એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી કે તેમણે સમગ્ર જીવન જૈન સમુદાયને કંઇક આપવામાં વીતાવ્યું છે, અને કંઇ મેળવવામાં નહીં.
પ્રાર્થનાસભાના અંતે પુત્ર ડો. ભાવેશભાઇએ પારેખ પરિવાર પર આવી પડેલી દુઃખની આ ઘડીએ દિલસોજી પાઠવનાર સહુ કોઇનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે પપ્પાએ પરિવાર - સમાજ માટે જે મહામૂલું પ્રદાન આપ્યું છે, તેમણે જે જીવનપથ કંડાર્યો છે તેના પર કેટલો આગળ વધી શકીશ એ તો હું નથી જાણતો, પરંતુ હું તેમના જીવનમૂલ્યોને અનુસરવા મારાથી શક્ય તમામ પ્રયાસ કરીશ.

પ્રાર્થનાસભામાં ઉપસ્થિત મહાનુભાવો

• હરીન પાઠક, ભૂતપૂર્વ સાંસદ • અજય ઉમટ, તંત્રી - નવગુજરાત સમય • ભૂષણ ભટ્ટ, ભૂતપૂર્વ ધારાસભ્ય • હરિ દેસાઇ - વરિષ્ઠ પત્રકાર • હર્ષદભાઇ અને જયેન્દ્રભાઇ જાટકીઆ • રાકેશ શાહ – ધારાસભ્ય • કશ્યપ પટેલ – મ્યુનિ. કોર્પોરેટર • મનિષ દોશી - પ્રવક્તા, કોંગ્રેસ પક્ષ • જયંતિભાઈ શેઠ – તંત્રી, ‘ફર્ઝ’ • જયંતિભાઈ પટેલ – કોંગ્રેસ પક્ષ • દશરથભાઈ પટેલ – ભૂતપૂર્વ મ્યુનિ. કોર્પોરેટર

શોકસંદેશો મોકલનાર સ્વજનો-સંસ્થાઓ

• બાબુભાઇ મેઘજીભાઇ શાહ, ભૂતપૂર્વ નાણા પ્રધાન • બ્રજેશ મેરજા, ધારાસભ્ય-મોરબી • અયોધ્યાપુરમ્ ટ્રસ્ટ • મચ્છુકાંઠા જૈન ટ્રસ્ટ
• ઘાટકોપર મચ્છુકાંઠા સમાજ • એસએમ કંપાઉન્ડ રેસિડેન્ટ્સ એસોસિએશન • ગોપાલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ • મોરબી પ્લોટ જૈન શ્વેતામ્બર સંઘ • રાજયશ વિજયજી મહારાજ સાહેબ • બંધુબેલડી મહારાજ સાહેબ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter