અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની બાબતમાં અમદાવાદ નામ કમાય છે. સ્વચ્છતાને સ્વભાવ અને વિચાર બનાવો, સારાં પરિણામ મળશે.
મોદીએ અમદાવાદમાં 5,477 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતાં. અહીં જનસભાને સંબોધતાં પીએમ મોદીએ શાનદાર રોડ શો કર્યો હતો જેમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. વડાપ્રધાન તેમના સંબોધનમાં ઓપરેશન સિંદૂર, ટ્રમ્પના ટેરિફની સાથે સાથે જ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ચરખાધારી મોહન મહાત્મા ગાંધીએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. સાબરમતી આશ્રમ તેનો સાક્ષી છે.
મોદીએ કહ્યું તહેવારો આપણી સંસ્કૃતિના ઉત્સવ સાથે આત્મનિર્ભરતાના ઉત્સવ હોવા જોઈએ. આપણે જીવનમાં મંત્ર બનાવવાનો છે કે આપણે જે કંઈ ખરીદીશું તે સ્વદેશી હશે. બધો સામાન મેડ ઈન ઇન્ડિયા હશે. વેપારી વર્ગ દેશને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે. તેઓ વિદેશી માલ ન વેચે અને બોર્ડ લગાવે કે અમારે ત્યાં સ્વદેશી વેચાય છે. આત્મનિર્ભર ભારતમાં ગુજરાતનો બહુ મોટો ફાળો છે અને બે દાયકાની મહેનત છે. વિકસિત ભારતનો રાજમાર્ગ સ્વદેશી અને આત્મનિર્ભરતા થકી જ કંડારાશે.
અર્થતંત્રમાં ગુજરાતનું આગવું યોગદાન
વડાપ્રધાને કહ્યું કે, દાહોદની રેલ્વે ફેક્ટરીમાં તાકાતવર ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન બની રહ્યા છે. આજે ગુજરાતમાં બનેલા રેલવે કોચ બીજા દેશોને એક્સપોર્ટ થઈ રહ્યા છે, એટલું જ નહીં ગુજરાતમાં મોટી સંખ્યામાં મોટરસાઈકલ, કાર જેવા વાહનોનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. દેશ અને દુનિયાની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં ફેક્ટરી લગાવી રહી છે. ગુજરાતમાં એરોપ્લેનના અલગ અલગ પાર્ટ્સ બનાવીને તેના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલતું હતું હવે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાનું કામ પણ શરૂ થયું છે, અને હવે ગુજરાત ઈલેક્ટ્રોનિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગનું પણ સેન્ટર બનવા જઈ રહ્યુ છે. જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે તે સેમિકન્ડક્ટર વિના બની શકતા નથી ત્યારે ગુજરાત હવે સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે મોટું નામ કરવા જઈ રહ્યું છે.


