અમદાવાદ: પોતાના ૭૭મા જન્મ દિવસે ૨૧મી જુલાઈએ ગાંધીનગરનાં ટાઉન હોલમાં યોજાયેલા સંવેદના કાર્યક્રમમાં ૧૫થી ૨૦ હજાર જેટલા સમર્થકોની હાજરીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સતત ૧ કલાક અને ૨૫ મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું. પરસેવે રેબઝેબ થઇ જવા છતાં સમર્થકોએ બાપુને શાંતિથી સાંભળ્યા હતા. તેમજ 'બાપુ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ'ના નારાઓ લગાવ્યા હતા. વાઘેલાએ પોતે સેવાદળથી શરૂ કરેલી કારર્કિદીથી શરૂઆત કરી હતી. તેમજ સંઘમાં ભાજપમાં અને કોંગ્રેસમાં ગયા એ સમયે બનેલા કેટલાક પ્રસંગોની વાત કરી હતી. તેઓએ કહ્યું કે, 'સ્વમાન'ના ભોગે હું સમાધાન કરવામાં માનતો નથી. કોઈપણ રાજકીય પક્ષોમાં ખરેખર 'લોકો' મુખ્ય હોવા જોઇએ. પરંતુ ભાજપ-કોંગ્રેસમાં એવું નથી. નેતાઓ અંગત સ્વાર્થમાં રાચે છે. જ્યારે હું માનું છું કે આપણને લોકોએ ચૂંટીને મોકલ્યા છે માટે પ્રજા જ હાઈકમાન્ડ છે. ચૂંટણી આડે હવે માંડ ચારથી પાંચ મહિના બચ્યા હોઈ, આવા સમયે જ રાજીનામું આપી દઇને વાઘેલાએ જાણે ગુજરાતનાં રાજકારણમાં મોટો ધડાકો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ૮મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દેશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ૨૦મીએ સાંજે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારોને શંકરસિંહના સંમેલનમાં હાજર નહીં રહેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં જામનગરનાં ધારાસભ્ય રાઘવજી પટેલ અને શંકરસિંહના પુત્ર તથા બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. હવે પક્ષ તેમની સામે શિસ્તભંગના કેવા અને ક્યારે પગલા લે છે તે જોવુ રહ્યું. આ સિવાય એનસીપીનાં જયંત બોસ્કી અને કાંધલ જાડેજા હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિલીપ પરીખ પણ સ્ટેજ પર હતા.
કોંગ્રેસની નીતિની ટીકા
વાઘેલાએ જન્મદિને દુઃખ ઠાલવ્યું કે, હું આજે (૨૧મી જુલાઈએ) શું જાહેરાત કરવાનો હતો તેની રાહ જોયા વગર જ ૨૪ કલાક પહેલાં કોંગ્રેસે મને કાઢી મૂક્યો છે. પાર્ટીમાં જ ગોટાળા ચાલે છે. મને હટાવવાથી જો કોંગ્રેસ જીતી જતી હોય તો હું આ ચાલ્યો. કોઈનો ઇગો સંતોષાશે. પરંતુ તેનાથી પાર્ટીને ઘણું નુક્સાન થશે. વાઘેલાએ વધુમાં કહ્યું કે, મે ઘણી ધીરજ રાખી હતી. નિર્ણય મારે નહીં હાઈકમાન્ડે કરવાનો હતો. હું રાહુલ ગાંધીને મળ્યો અને બધી વાતચીત કરી હતી. તેમજ કહ્યું હતું કે હું કેટલાકને 'આડખીલી' રૂપ નડી રહ્યો છું. હું પક્ષમાં ન રહું તેવું આયોજન થાય છે. પરંતુ તેઓએ કે હાઈકમાન્ડે કોઈ નિર્ણય કર્યો નહોતો કે મારી વાત માની નહોતી.
તમે સેટીંગ કરો છો
વાઘેલાએ જન્મદિવસે કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપો કર્યા કે, ગત ચૂંટણીમાં ૨૮ ઉમેદવારોને છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતારાયા હતા. હું અગાઉથી હોમવર્કની વાત કરું છું. તમે લોકોએ ભાજપની સોપારી લીધી છે. મેં નહીં. મે ક્યારેય ટિકિટ માગી નથી. તમે પાછલા બારણે કામ કરાવો છો હું નહીં. હું કોંગ્રેસને મારામાંથી મુક્ત કરું છું. કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકરો અને આગેવાનો પણ હવે 'મુક્ત' છે તેઓએ શું કરવું તેનો નિર્ણય તેઓ જ લેવો.
સોનિયા ગાંધી ત્યાગના મૂર્તિ
શંકરસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ વગેરે નેતાઓનો આભાર માનીને પક્ષમાંથી રાજીનામું ધર્યું હતું. જેમાં તેઓએ ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના ખૂબ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, બાપુનગરમાં સોનિયા ગાંધીએ ઐતિહાસિક સ્પીચ આપી હતી. તેઓ ત્યાગનાં મૂર્તિ છે. સોનિયાએ રાજીવ સમક્ષ શરત રાખી હતી કે હું રાજકારણમાં નહી આવંુ છતાં સંજય ગાંધીની બિનહયાતી અને રાજીવ ગાંધીની હત્યા બાદ પક્ષને સંભાળવા આગળ આવ્યાં, પણ પોતે વડા પ્રધાન ન બન્યાં. હું બે મહિના પહેલાં તેમને મળ્યો ત્યારે જ મેં સોનિયા ગાંધીને કહ્યું હતું કે હવે કદાચ લાંબો વખત હું કોંગ્રેસમાં રહી શકીશ નહીં. પરંતુ તમારો ભરોસો તોડીશ નહીં અને ભાજપમાં જોડાવવાનો નથી. એ સમયે તેઓ થોડા થાકેલા અને બીમાર હતા છતાં મને મળવા માટે સમય ફાળવ્યો હતો. વાઘેલાએ કહ્યું હતું કે, મને દુઃખ છે કે હું પક્ષમાં ન રહું તેવું આયોજન થયું હતું. પોસ્ટરમાંથી નામ-ફોટા કાઢી નાખવા, 'કોંગ્રેસ આવે છે પણ બાપુ જાય છે'ના પોસ્ટરો લગાવવા... આ માનસિકતા જ વામણી છે, પણ હમણા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થયું. હવે ફરીથી રાજ્યસભાની ચૂંટણીમાં પણ ક્રોસ વોટીંગ થશે તો તમે શું કરશો?


