શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર – વિશ્વ શાંતિ કેન્દ્ર રજત મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારામ મંદિર, સલાલનો પ્રથમ પાટોત્સવ ભારે દબદબાપૂર્વક યોજાયો હતો. બે દિવસીય કાર્યક્રમમાં વ્યસનમુક્તિ રેલી તેમજ વ્યસનમુક્તિ શિબિરનું આયોજન કરાયું હતું. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યો જીવનમાં વ્યસન અને કુરિવાજોનો ત્યાગ કરશે તો તે સત્સંગ સંસ્કારથી શોભશે. વ્યસન એ તો મનુષ્યના અમૂલ્ય જીવનને અધોગતિને પંથે દોરનાર છે. માટે તેનાથી દૂર રહી સત્સંગ સંસ્કાર શિક્ષણ સહિતનું જીવન જીવવું. શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવ હિતાવહ, આચાર સંહિતા રૂપે આપેલ શિક્ષાપત્રીમાં જણાવેલ પંચવર્તમાન નિયમ પાળવા પણ હાકલ કરી હતી. મનુષ્યે દૃષ્ટિ, મન, વાણી, આચરણ શુદ્ધ રાખવા તન, મન શુદ્ધ હશે તો જ ભગવાન બિરાજમાન થશે. જીવન સત્સંગ સંસ્કાર સહિતનું જીવવું જેથી વ્યસન તેને કદી પણ લૂંટી જાય નહીં. શિબિરમાંથી ઘણી મોટી સંખ્યામાં માનવ સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.


