ગાંધીનગરઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી સ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ, ભાટના રિસર્ચ સેન્ટર દ્વારા બોલતી શિક્ષાપત્રી બનાવાઇ છે. સતત આઠ મહિના સંશોધન કર્યા બાદ રૂ. ૩૫૦૦ના ખર્ચે શિક્ષાપત્રીની આ આવૃત્તિ બની છે. બોલતી શિક્ષાપત્રીનું વિમોચન શાસ્રી હરિપ્રકાશ સ્વામીના હસ્તે ૨૮મી જાન્યુઆરીએ કરાયું હતું.
સ્વામીનારાયણ ગુરુકુળના રામસ્વામીજીએ બોલતી શિક્ષાપત્રી બનાવવા શ્રીસ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિભાગના રિસર્ચ સેન્ટરને સૂચના આપી હતી. જેથી કોલેજના ડિરેક્ટર ધર્મેશ વંડરાની રિસર્ચ ટીમે ગુગલની મદદથી ટેકનોલોજીનો અભ્યાસ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી પ્રોગ્રામિંગથી શિક્ષાપત્રી બનાવી છે. બોલતી શિક્ષાપત્રી માટે પ્રોફેશનલ નિષ્ણાતોના અવાજનું રેકોર્ડિંગ કરીને શિક્ષાપત્રીના શ્લોકનું અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ કરીને બોલતી શિક્ષાપત્રીવાળી પેન બનાવવામાં ટીમને સફળતા મળી હતી.
બોલતી શિક્ષાપત્રીના કોપીરાઇટ
સ્વામીનારાયણ ગુરુકુળના રામસ્વામીજીએ કહ્યું કે, આ બોલતી શિક્ષાપત્રીનાં કોપીરાઇટ મેળવવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાંં અનુરૂપ ફોટાઓ મૂકીને દૃશ્ય - શ્રાવ્ય માધ્યમથી લોકોને માત્ર રૂ. ૧૫૦માં શિક્ષાપત્રી મળી શકે તેવું આયોજન કરાશે.
૨૧૨ કોડના આધારે પેન
બોલતી શિક્ષાપત્રી બનાવવા પ્રોગ્રામિંગવાળી પેન તૈયાર કરાઈ છે. જેમાં ૨૧૨ કોડના આધારે ત્રણ ભાષામાં બોલતી શિક્ષાપત્રી તૈયાર કરી છે. પેન કોડ ઉપર ટચ કરતા જ શિક્ષાપત્રીમાં દર્શાવેલા શ્લોક અને ભાષાંતર બોલશે. બોલતી શિક્ષાપત્રીની ચાર્જેબલ પેનનું આયુષ્ય સાત વર્ષનું હોવાથી બોલતી શિક્ષાપત્રીથી વિદેશમાં રહેતા સત્સંગીઓને ત્રણ ભાષામાં સાંભળવા મળશે તેમ સ્વામીએ જણાવ્યું હતું.


