સ્વામીનારાયણ મંદિરમાં સૌ પ્રથમ વખત માતાજી શિવ-પાર્વતી સહિત દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા

Wednesday 01st May 2019 07:27 EDT
 
 

જ્યોર્જિયાઃ અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં શિવ-પાર્વતી તેમજ તમામ માતાજીની મૂર્તિઓની વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરાઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પહેલીવાર તમામ દેવી-દેવતાઓની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જ્યોર્જિયામાં હિન્દુઓ વધુ હોવાથી તમામ દેવી-દેવતાઓને બિરાજમાન કરાયા છે.
ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, હનુમાનજી જેવા તમામ દેવી દેવતાઓને પૂજવા. સ્વામી માધવપ્રિયદાસજીની નિશ્રામાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં પહેલીવાર એક સાથે ભગવાન સ્વામીનારાયણ, લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવ-પાર્વતી, અંબાજીમા, ઉમિયામાતા, ગણપતિબાપા, હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના અંગરૂપ ત્રિદિનાત્મક ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યોર્જિયામાં ચર્ચની જગ્યાએ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે.

દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિ

મહોત્સવમાં સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ તેમજ ગુરુકુલના ટ્રસ્ટી ડૉ. વિજયભાઈ ધડુક, વડતાલ ધામ ઈસસવના પ્રમુખ અર્જુનભાઈ માલવિયા, સેશલ્સથી પધારેલા વિશ્રામભાઈ વરસાણી (વિજય કન્સ્ટ્રક્શન), કેનેડાથી રવિભાઈ ત્રિવેદી, લંડનથી વેલજીભાઈ વેકરીયા, ટાનઝાનીયા સ્વામિનારાયણ સત્સંગ મંડળના ઉપપ્રમુખ લાલજીભાઈ, લંડનથી શશીભાઈ વેકરીયા (વાસક્રોફ્ટ), ગોવિંદભાઈ કેરાઈ તથા રવજીભાઈ હિરાણી, ગુણવંત હાલાઈ વગેરે ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારતથી ડો. અશોક જાગાણી, ડૉ. સંજય પટોળીયા, ધીરૂભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter