ગાંધીનગરઃ કાલુપુર સંપ્રદાયના ગાંધીનગર નજીકના સ્વામીનારાયણ મંદિરના યુવા સાધુ પંદર દિવસથી ગાયબ થતાં તાજેતરમાં ચર્ચા ઊઠી હતી કે, સાધુ ભગવા ત્યજી કેનેડા રવાના થયા છે. ૩૫ વર્ષીય યુવા સાધુ જ્યારે ગયા ત્યારે મંદિરના વરિષ્ઠ સાધુને ‘હવે હું સંસારમાં જાઉં છું' તેવી જાણ કરીને ગયા હોવાનું કહેવાય છે. જોકે, આ મામલે મંદિરના સંચાલકોએ માત્ર એટલું જ કહ્યું કે સાધુ હાલ મંદિરમાં નથી બાકી મૌન સેવ્યું હતું. સંતે ઓચિંતા લીધેલા આ નિર્ણયથી હરિભક્તોએ પણ આંચકો અનુભવ્યો હોવાનું કહેવાય છે.

