અમદાવાદઃ જૂનાગઢના માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરના ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજી સ્વામી (ઉં ૨૯) અને એક મહિલાએ અમદાવાદની એક હોટલમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. હોટલરૂમનો વીડિયો જાહેર કરવાની ધમકી આપીને યુવતી અને તેના મળતિયાઓએ સાધુ પાસે રૂ. ૫૦ લાખની માગ કરતા ગોપાલચરણ સ્વામીને હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું હતું. સ્વામીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાવ્યા બાદ ૧૫મી ડિસેમ્બરથી સ્વામી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢના માંગરોળના સ્વામી ગોપાલચરણ સ્વામી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયાની પ્રબળ શક્યતાઓ જણાઇ રહી છે. આ ફરિયાદ કર્યા બાદ તેઓ ક્યાં છે તેની પોલીસને પણ જાણ નથી.
ફેસબુક પર પરિચય
ગોપાલચરણ સ્વામીએ અમદાવાદની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને કેશોદના ચેતન નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, ચાર માસ પહેલા ફેસબુક પર સોનલ નામની મહિલા સાથે તેમને ફ્રેન્ડશિપ થઈ હતી. એ પછી ચેટિંગ થયા કરતું હતું. તેઓ હરિદ્વાર ગયા ત્યારે મહિલા સાથે મેળાપ થયો હતો અને બાદમાં તેમને અમદાવાદના નવરંગપુરાની એક હોટેલમાં મહિલાએ ૨૪ નવેમ્બરે બપોરે મળવા બોલાવ્યા હતા. હોટલના રૂમમાં બંનેની સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. જેનો વીડિયો સ્વામીની જાણ બહાર ઉતારાયો હતો. બાદમાં આ વીડિયો ક્લિપ મોબાઈલમાં વાયરલ કર્યાની જાણ સ્વામીને કરાઈ હતી. એ પછી સાધુને આ મહિલા અને મળતિયા વારંવાર ફોન કરીને ધમકાવતા કે, જો તેઓ વીડિયો ક્લિપના બદલામાં રૂ. ૫૦ લાખ નહીં આપે તો ક્લિપ વાયરલ કરીને તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાશે.

