અમદાવાદઃ સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા પાસેના મીનામાં હજ દરમિયાન ૨૪ સપ્ટેમ્બરે શેતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન થયેલી નાસભાગમાં મૃતકોનો આંકડો ૭૧૭થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે ૮૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ૧૪ ભારતીયોનાં પણ મોત થયા છે, જેમાં સૌથી વધુ નવ ગુજરાતીઓ ભોગ બન્યા છે, તેવું હજ કમિટીની યાદીમાં જણાવે છે. આ ઉપરાંત અમદાવાદના જુહાપુરાની બે વ્યક્તિ ગુમ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે ત્યાં અંદાજે ૨૦ લાખ લોકો હજની છેલ્લી વિધિ પૂર્ણ કરી રહ્યા હતા, જેમાં લગભગ ૧.૫ લાખ ભારતીયો પણ હતા. આ સમયે કોઈ કારણસર નાસભાગની ઘટના બની હતી, જેમાં સેંકડો લોકોનાં મોત થયા હતાં. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ગુજરાતમાંથી અનેક મુસ્લિમો મક્કા ખાતે હજ કરવા ગયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારની બે વ્યક્તિનો આ દુર્ઘટના પછી કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જે બાબત ચિંતાનું કારણ બની રહી છે. જ્યારે અમદાવાદના શાહપુર વિસ્તારના નાગોરીવાડમાં રહેતા રૂકસાના મોહંમદ ઈસાક નાગોરીનું મોત થયું હતું.
ગુજરાતના મૃતકોની યાદી
1. મોહંમદહનીફ હસનભાઈ શેખ, 2. મદીનાબીબી મહંમદહનીફ શેખ, 3. દીવાન અયુબશા બફઈશા, 4. દીવાન ઝુબેદાબીબી અયુબશા, 5. સોડા રહેમત કાસમ, 6. બેતારા ફાતમાબહેન કરીમ, 7. બોલીમ હાવબાઈ ઇશાક, 8. નાગોરી જોહરાબીબી મહંમદશફી, નાગોરી રૂકસાના મોહંમદ ઈશાક