ગાંધીનગરઃ જગવિખ્યાત સ્ટીલ ઉત્પાદન કંપની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિ.ના ચેરમેન અને સીઈઓ લક્ષ્મી મિત્તલે સોમવારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. લક્ષ્મી મિત્તલે હજીરા સ્થિત એસ્સાર સ્ટીલ રૂ. ૪૨૦૦૦ કરોડમાં હસ્તગત કરી છે. આ પ્લાન્ટમાં હવે ઉત્પાદન શરૂ કરાશે. વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સારી પરિસ્થિતિ હોવાથી તેમણે ગુજરાતમાં મૂડીરોકાણનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર તરફથી આ જ રીતે સહકાર મળતો રહશે તો તેમની કંપની ભવિષ્યમાં વધુ મોટા પ્રોજેક્ટ્સ માટેનું આયોજન કરી શકે છે. મુખ્ય પ્રધાને પણ આર્સેલર મિત્તલને સહકાર આપતા રહેવાની ખાતરી આપી હતી. મિત્તલ જાપાનની નિપોન કંપની સાથે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ગુજરાતમાં સ્ટીલનું ઉત્પાદન કરશે.
બીજી તરફ મિત્તલે એસ્સાર સ્ટીલને હસ્તગત કર્યા પછી કંપનીને ચાલુ રાખવા તેમાં સતત સપ્લાય આપીને સહકાર આપનારા નાના અને મધ્યમ કદના ૧૭૪૨ એકમોને તેમના બાકી નાણાંમાંથી રૂ. ૬૮૧ કરોડ ઓછાની એનસીએલટીના સેટલમેન્ટમાં ફાળવણીનો નિર્ણય કર્યો છે. જેની સામે હજીરામાં એસ્સારની ફેક્ટરી નજીક દેખાવોની ચીમકી મળી હતી. દેખાવો માટે સુરત પોલીસ પાસેથી લેખિત મંજૂરીની માગ પણ થઈ હતી. જોકે મંજૂરી અપાઈ નહોતી. અલબત્ત, શાંતિપૂર્ણ દેખાવોની જાહેરાત કરાઈ હતી.
રૂ. ૫૪૦૦૦ કરોડમાં સોદો
આર્સેલરે રૂ. ૪૨૦૦૦ કરોડમાં બિડિંગ કર્યું તે પછી એસ્સાર સ્ટીલના માલિકોએ રૂ. ૫૪૦૦૦ કરોડમાં કંપનીને પોતાને હસ્તક રાખવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાંય એસ્સાર સ્ટીલની પેટા કંપનીઓને તેમના લેણાના રૂ. ૨૦૩૪ કરોડની ચૂકવણી થઈ છે. જ્યારે એનસીએલટીમાં ગયા પછી એસ્સારને ચાલુ રાખવામાં મદદ કરવા સતત સપ્લાય ચાલુ રાખનારા નાના અને મધ્યમ કદના રોકાણકારોને તેમના બાકી લેણાંની માંડ વીસ ટકા રકમ મળી છે. બીજી તરફ બેંકોને બાકી લેણામાંથી ૯૨ ટકા જેટલી રકમ પરત કરાઈ છે. એસ્સાર સ્ટીલની પેટા કંપનીઓને રૂ. ૨૦૩૨ કરોડ અપાઈ રહ્યાં છે, પરંતુ એસ્સાર સ્ટીલને નાદારીની પ્રક્રિયામાં સપ્લાય ચાલુ રાખીને રૂ. ૫૦૦૦ કરોડથી વધુનો નફો કરવામાં મદદ કરનારી ૧૭૪૨ નાની કંપનીઓને ચૂકવવાના રૂ. ૧૦૭૪ કરોડમાંથી માત્ર રૂ. ૩૫૪ કરોડ ચૂકવીને તેના રૂ. ૬૮૧ કરોડ જતા થયાં છે. એનસીએલટીની પ્રોસેસમાં એસ્સાર સ્ટીલનો સપ્લાય ચાલુ રાખીને તેના ઉત્પાદનને જાળવી રાખનારાઓને પહેલા નાણાં આપવાને બદલે એસ્સાર સ્ટીલના સબસિડિયરીઓને એસ્સાર સ્ટીલનો કબજો સોપી દેવાની વાત કરી છે. નાની કંપનીઓ તેને કારણે એનસીએલટીના ચુકાદાથી નારાજ છે. તેઓ આ ચુકાદાના આંશિક પુનઃ અવલોકન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી માટે વિચારમાં છે.


