હત્યાકેસમાં ભાગેડુ આરોપી મનીષ પટેલ ન્યૂ યોર્કમાં ઝડપાયો

Wednesday 31st May 2017 07:05 EDT
 
 

ન્યૂ યોર્કઃ ગર્લફ્રેન્ડની સ્મુધીમાં ગર્ભપાતની દવા ભેળવીને ભૃણની હત્યાના આરોપમાં જામીન પર છૂટ્યા પછી નવ કરતાં વધુ વર્ષથી ફરાર રહેલા ૪૩ વર્ષીય ભારતીય અમેરિકન બિઝનેસમેન મનીષકુમાર પટેલને આ વર્ષની શરૂઆતમાં ન્યૂયોર્કથી ઝડપી લેવાયો હતો. તેને વિસ્કોન્સીનમા ઔટાગેમી કાઉન્ટીની જેલમાં મોકલી અપાયો છે. પટેલ પર મૂકાયેલા સાત ગંભીર આરોપો પૂરવાર થાય તો તેને ૧૦૦ વર્ષની જેલ થશે. તે રોકડા ૫૦ મિલિયન ડોલર જમા કરાવે તો જ જામીન મંજૂર થાય તેમ છે.
પરિણીત પટેલનું ૨૦૦૧માં એપલ્ટનમાં ફેમિલી મેડિસીનની પ્રેક્ટિસ કરતી દર્શના પટેલ સાથે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું. ૨૦૦૪માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. દર્શના ૨૦૦૬માં ગર્ભવતી થઈ હતી. પરંતુ, તેને ગર્ભપાત થઈ ગયો હતો. ૨૦૦૭માં તે ફરી ગર્ભવતી થઈ હતી. એક વખત આઈસ્ક્રીમ ખાવા ગયેલી દર્શનાએ મનિષને તેની સ્મુધીમાં કશુંક નાખીને હલાવતો જોતા તેને શંકા જાગી હતી. પાછળથી તેણે તે કપ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યો હતો. તે વખતે તો દર્શનાએ પેટમાં દુઃખાવાનું બહાનુ કાઢીને સ્મુધી પીધી ન હતી. પરંતુ, થોડા અઠવાડિયા પછી તેને ફરી ગર્ભપાત થયો હતો. તપાસમાં તે RU-486- mifepristone-ગર્ભપાત માટેની દવા હોવાનું જણાયું હતું.
દર્શનાએ નવેમ્બર ૨૦૦૭માં મનીષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેના ઘરે પોલીસ તપાસ દરમિયાન આ ગોળીઓ મળતા મનીષે તે દર્શનાને આપી હોવાનું કબૂલ્યું હતું. તેની માલિકીના ૧૪ ગેસ સ્ટેશન, એક હોટલ અને વિસ્કોન્સિનમાં બીજો બિઝનેસ હતો. મનિષને છોડાવવા તેના મિત્રો અને પરિવારે ૭૫૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. છૂટકારાના ટૂંક સમયમાં જ તે ભારત જતો રહ્યો હતો તેવું મનાય છે. ગયા ઓક્ટોબરમાં તે કેનેડાના ટોરન્ટો આવ્યો હતો. ત્યાંથી ૧૯ જાન્યુઆરીએ ન્યૂયોર્ક આવતા તેની અને ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. પટેલની પત્નીનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter