ડભોડાઃ ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને ૧ હજાર વર્ષ જૂના ઐતિહાસિક અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી મંદિરે કાળી ચૌદસના મેળામાં ૩ લાખથી વધુ ભક્તોએ ઉમટીને દાદાના દર્શન કર્યા હતા. આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા ડભોડિયા હનુમાનજી દાદાને ભક્તો દ્વારા ૧૧ હજાર કિલોથી પણ વધુ તેલનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.
હૈયેહૈયું દળાય એવી જનમેદનીથી ગામના તમામ માર્ગો ચક્કાજામ થઈ ગયા હતા. મંદિર તરફથી ૨ લાખ જેટલા કાલા દોરા તથા માદળિયા-તાવીજનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે બુંદીપ્રસાદી ૫ હજાર કિલોનું વેચાણ થયું હતું. હનુમાનજી મંદિરે ગુજરાતભરમાંથી તથા અલગ અલગ રાજ્યોમાંથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. મેળામાં હજારો લોકોએ ખરીદી કરી હતી.
મેળામાં ઠેર ઠેર ચકડોળ તથા આનંદપ્રમોદના સાધનો લગાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા જિલ્લાભરમાંથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લાખો ભક્તોના ઘોડાપુરને કારણે મંદિરની આવકમાં પણ દાનનો વધારો થશે એમ મંદિર મંડળ દ્વારા જણાવાયું હતું.
મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર મંદિરે હવનમાં બે લાખ ભક્તો ઊમટ્યાં
મહુડીઃ ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ કાળીચૌદસનો હવન કરવામાં આવ્યો હતો. છેલ્લા એંસી વર્ષથી કાળી ચૌદસ નિમિત્તે હવન કરવાની પરંપરા ચાલી આવે છે. આ હવનનું અનેરું મહત્ત્વ છે. જેમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેવા આવે છે. આ વર્ષે ૨ લાખથી પણ વધુ ભક્તો કાળીચૌદસના હવનમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, જૈનમુની બુદ્ધિસાગરસુરીએ માગસર સુદ છઠ્ઠને વિક્રમ સંવત ૧૯૭૪માં મહુડી ખાતે ઘંટાકર્ણ દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ મૂર્તિ ગુરુમંદિરમાં છે.
આ સંદર્ભે મંદિરના પુજારી બાબુભાઈ રામીના પુત્ર કેતનભાઈ રામીએ જણાવ્યું કે, વર્ષોની પરંપરાથી દર કાળીચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં હવન કરવામાં આવે છે. આ હવન બપોરે ૧૨.૩૯ મિનિટે શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે જૈન શાસનમાં બપોરે ૧૨.૩૯ કલાકનો સમય વિજયમુહૂર્ત ગણાય છે. હવન શરૂ થાય તે પૂર્વે પણ કેટલીક વિધિ કરવામાં આવે છે. જેમાં ઘંટાકર્ણ દાદાની મૂર્તિનો સોનાનો વરખ ઉતારી લેવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર કાળી ચૌદસના દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ પક્ષાલ પૂજા અને કેસર પૂજા કરવામાં આવે છે. આ પુજા ૧૨.૩૯ મિનિટે પૂર્ણ થાય છે. ત્યારબાદ હવન શરૂ કરવામાં આવે છે.
ન ભૂત પલિત જોયા કે ના તો કોઈ જાતના ડરનો અહેસાસ થયો
અમદાવાદઃ સામાન્ય દિવસે મોડી રાત્રે સ્મશાનગૃહમાં જતા પણ લોકોને ડર લાગતો હોય છે. એમાં પણ કાળીચૌદસની રાત્રે તો ભૂત-પ્રેતનો ખોફ લોકોને ભયભીત કરી દેતો હોય છે. ત્યારે બિહામણી રાત્રે ચામુંડા સ્મશાનગૃહમાં બાળકો અને મહિલાઓ ભૂત-પ્રેતને મળવા આવ્યા હતા. પરંતુ તેમને કોઇ ભૂત-પ્રેત જોવા મળ્યા નહોતા કે કોઇ ડરનો અહેસાસ પણ થયો નહોતો.
સ્મશાનગૃહમાં આવેલી ૧૭ વર્ષીય ભૂમિકા ચૌહાણે કહ્યું કે, ભૂત-પ્રેત જેવું કાઇ નથી ફકત આપણા મનનો વહેમ છે. સાયન્સ અને ટેકનોલોજી ના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે.
કાળીચૌદસે મોડી રાત્રે ચામુંડા સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ ફટાકડા ફોડી તેમજ ચાર રસ્તે વાળીને મૂકેલા શ્રીફળ અને વડા લાવીને ખાધા હતા. તાંત્રિકો અને ભૂવા લોકોને કેવી રીતે છેતરે છે તે અંગે વિજ્ઞાન જાથાના પ્રમુખ પિયુષ જાદુગરે વૈજ્ઞાનિક પ્રયોગો કરીને આ દિવસે સ્મશાનમાં બતાવ્યા હતા. હાથમાંથી કંકુ કાઢવું, શરીરના અંગોથી આગ પ્રગટાવવી, જીભમાં સળિયો ભરાવવો જેવા વગેરે પ્રયોગો તેમણે બતાવ્યા હતા.
જાદુગરે કહ્યું હતુ કે, છેલ્લા ૨૦ વર્ષથી અમે તાંત્રિકો અને ભૂવાઓને ચેલેન્જ કરી છે કે ભૂત-પ્રેતને અમારી પાસે લાવો તો તમને રૂ. ૧ કરોડનું ઇનામ આપીશું પરંતુ હજુ સુધી કોઇ તાંત્રિક કે ભૂવા ભૂત-પ્રેત લઇને અમારી પાસે આવ્યા નથી.


