હરિયાણાના ૮ પરિજનોનો હત્યારો રાજુલા આશ્રમમાં મહંત તરીકે રહ્યાો!

Monday 15th February 2021 15:08 EST
 
 

રાજુલાઃ હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય સહિત ૮ પરિજનોની હત્યામાં આજીવન કેદની સજા પામેલો સંજીવ કુમાર પેરોલ પર છૂટયા બાદ ફરાર થઈ ગયો હતો તેણે અમરેલીના રાજુલા નજીક આવેલા છતડિયા આશ્રમમાં આશરો લીધો લીધો હતો અને ત્યાં તે છેલ્લા બે વર્ષથી ઓમ આનંદગિરિ બાપુ તરીકે રહેતો હતો. તે ઉત્તર પ્રદેશમાંથી ઝડપાતાં આ સત્ય સામે આવ્યું છે. મહંતના સ્વાંગમાં રહી ચૂકેલા હત્યારાને આશ્રય આપવામાં કોણે કોણે મદદ કરી હતી એની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
વર્ષ ૨૦૦૧માં હિસાર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રેલૂરામ પુનિયા, તેમનાં પત્ની, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્ર, પૌત્રી સહિત ૮ પરિવારજનોની હત્યા કરી નાખવાના ગુનામાં એમના જમાઈ સંજીવ અને તેની પત્ની સોનિયાને ફાંસીની સજા થઈ હતી. હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેણે અપીલ કરતાં ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. હત્યારો સંજીવ કુમાર જૂન-૨૦૧૮થી પેરોલ પર છૂટયા બાદ ફરાર હતો તેને તાજેતરમાં અંબાલાની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમે ઉત્તર પ્રદેશના મેરઠ હાઇ-વે પરથી ઉઠાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષમાં જ ઊંચી વગ અને હાઈપ્રોફાઈલ નેટવર્ક સંજીવે ઉભું કર્યું હતું. એક વર્ષ પહેલાં સંજીવે ‘કિસાનોને મારે આગળ લાવવા છે.’ કહીને રાજુલા માર્કેટિંગ યાર્ડમાં મોટું ખેડૂત સંમેલન રાખ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter