અમદાવાદઃ દિલ્હી ખાતે આવેલી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે વિવિધ ભારતીય ભાષાઓના લેખકોની કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવે છે. ૧૨ માર્ચે સાહિત્ય અકાદમીની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વિજેતાઓના નામ અધિકૃત રીતે જાહેર કરાયા હતા. ગુજરાતમાંથી કવિ વિનોદ જોશી દિલ્હીની સાહિત્ય અકાદમીમાં ગુજરાતી સલાહકાર મંડળના કન્વીનરની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે આ નામોની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકદામી એવોર્ડ હરીશ મીનાશ્રુના કાવ્યપુસ્તક ‘બનારસ ડાયરી’ને જાહેર કરાયો છે, જ્યારે વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષા માટેનો બાલ સાહિત્ય પુરસ્કાર નટવર પટેલના બાળવાર્તા સંગ્ર ‘ભૂરીની અજાયબ સફર’ને આપવાનું જાહેર થયું છે. નજીકના ભવિષ્યમાં યુવા પુરસ્કારોની પણ જાહેરાત કરાશે.


