અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યાના ગુનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇ કોર્ટનો ચુકાદો પલટાવી ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓએ સજા ભોગવી લીધી હતી જ્યારે ૮ને આજીવન કેદની અને એક આરોપીને જીવે ત્યાં સુધી કારાવાસની સજા ભોગવવાની છે. આઠ આરોપીઓએ એડવોકેટ ઇલિયાસ ખાન પઠાણ મારફત સેશન્સ કોર્ટમાં હાજર થઈને એક સપ્તાહનો સમય માગ્યો હતો. જે માગણી પ્રિન્સિપાલ જજ એમ. કે. દવેએ ફગાવીને આઠેય આરોપીઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે અસગરઅલી હૈદરાબાદની જેલમાં હોવાથી સીબીઆઈ આરોપીને ગુજરાત લાવવા માટે કાર્યવાહી હાથ ધરશે.

