સુરતઃ હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું પ્રમોશન થયું છે.
વિસ્તરણ પૂર્વે નાયબ મુખ્યમંત્રી તરીકે કોઇની નિયુક્તિ થશે તેવી ચર્ચા હતી. તેમાં અન્ય સિનિયર ધારાસભ્ય સાથે હર્ષ સંઘવીનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ મોવડી મંડળે રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે તેમની સફળ કામગીરી જોઇને સંઘવી ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં તેમનાથી સિનિયર મંત્રીઓ છે, પરંતુ હર્ષ સંઘવીને તેમની કામગીરી ફળી છે. ખાસ કરીને રાજ્યભરમાં ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવા, કટ્ટરવાદી અને અસામાજિક તત્ત્વો સામે ધાક બેસે તેવા અને બુલડોઝર પગલાં તેમજ પોલીસ સેવાને વધુ નાગરિકલક્ષી જવાબદાર બનાવવાનો પણ સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ અટકાવવા પણ તેમણે અનેક પ્રયાસ કર્યા છે. તેના કારણે અત્યાર સુધી સામાન્ય રીતે મુખ્યમંત્રી હસ્તક જ રહેતો કેબિનેટ કક્ષાનો ગૃહ વિભાગનો પદભાર હવે સંપૂર્ણપણે સંઘવીને સોંપાયો છે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની 2030માં અમદાવાદને મળે તે માટે પણ તેમણે રમતગમત મંત્રી તરીકે કરેલી મહેનતની નોંધ લેવાઇ છે.
27 વર્ષની વયે ધારાસભ્ય બનેલા સંઘવીની આ ત્રીજી ટર્મ છે. વહીવટી કુનેહ અને વ્યવહારિક અભિગમ સાથે સરકાર માટે હર્ષ સંઘવી જાણે સંકટમોચક બન્યા છે. ગેરકાયદે કામગીરી કરનારા સામે મક્કમ અને જડબેસલાક પગલાં લેવા હોય કે સરકારવિરોધી મોરચો હોય તો ટ્રબલ શૂટર તરીકે તેમની ભૂમિકા અસરકારક રહી છે. સંઘવી દિલ્હીના ટોચના નેતાઓના પણ વિશ્વાસુ ગણાય છે. સંઘવીને ગૃહ વિભાગ અને તેને સંબંધિત ખાતાઓ ઉપરાંત વાહન વ્યવહાર, કાયદો-ન્યાય તંત્ર, રમત ગમત, યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી પણ સોંપાઈ છે.
‘મહારાજ, એક મંત્ર એવો બોલો કે...’
હર્ષ સંઘવીએ ગણેશજીની સ્થાપના કરીને ચેમ્બરમાં કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન પૂજા કરાવવા આવેલા પૂજારીને હર્ષ સંઘવીએ કહ્યું કે, મહારાજ એક મંત્ર એવો પણ બોલો કે, અહીં અપેક્ષા લઈને આવતા સામાન્યમાં સામાન્ય માણસના કામ થઇ જાય અને તેઓ હસતા મોંએ પાછા જાય. સંઘવીની હંમેશા એવી કાર્યશૈલી રહી છે કે, જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ દરેક વ્યક્તિને ધીરજથી સાંભળી તેમની રજૂઆત કે ફરિયાદનું તત્કાલ નિરાકરણ લાવવાના આદેશ આપતા હતા.


