અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ અને સુરતની અરડોર ગ્રૂપની રૂ. ૨૦૪.૨૭ કરોડની સંપત્તિ જપ્ત કર્યાના ૧૧મી જુલાઈએ અહેવાલ હતા. બેંકની કરોડોની લોન રિપેમેન્ટ નહોતી કરી તેની સામે ઇડીએ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ કરી છે. કંપની અને તેના હોદ્દેદારો સામે બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની લોન લઈ રિપેમેન્ટ નહીં કરવાના કેસમાં સીબીઆઈ બાદ અમદાવાદ EDએ પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઈએ તપાસ શરૂ કર્યા પછી EDને કેસ સોંપતા ઇડીએ સેટેલાઇટ, નવરંગપુરામાં આવેલી બે ઓફિસ, આંબલી, બોપલ, બોપલ - શીલજમાં ૧૭ પ્લોટ અને સાયન્સ સિટી -એસજી હાઈવે પર દુકાન અને રેસિડેન્સિયલ પ્લોટ ટાંચમાં લીધાં છે. ઈડીએ સુરતમાં બે ઓફિસો, ૬ રેસિડેન્સિયલ પ્લોટ અને નોન એગ્રીકલ્ચરલ જમીન પણ જપ્ત કરી છે. કંપનીની મુંબઇ અને દિલ્હીની તેમની ઓફિસો પણ જપ્ત કરાઈ છે. સુરતમાં સંબંધીઓના નામે પણ કંપની સાથે જોડાયેલાઓની અનેક ગેરકાયદે સંપત્તિઓ હોવાનું પણ ખૂલ્યું છે.