અમદાવાદ: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરપૂર મહેર બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પહોંચી છે. ઉત્તર ગુજરાતમાં 6 ઇંચ તો મધ્ય ગુજરાતમાં 5 ઈંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સોમવારે પ્રાંતિજ તાલુકામાં 6.5 ઇંચ, તલોદ, હિંમતનગર અને મોડાસા તાલુકામાં પણ સાડા ચાર ઈંચ કરતાં વધુ જયારે મેઘરજ પંથકમાં પણ ચાર ઈંચ વરસાદ થયો હતો. બાયડ, ભિલોડા, ખેડબહ્મા અને ઈડરમાં 2 ઇંચ તથા ધનસુરા, માલપુર, વડાલી, વિજયનગરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં મંગળવારે 146 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ અને માંડવીમાં 2.4 ઇંચ તો ઉત્તર ગુજરાતના પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે ત્યારે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઇ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
પાટણ જિલ્લાની વાત કરીએ તો, સાંતલપુરમાં 2.5 ઈંચ, સિદ્ધપુરમાં પોણા 2 ઈંચ, રાધનપુરમાં સવા ઈચ, શંખેશ્વરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણીથી જળબંબાકાર થઈ જવા પામ્યો હતો. પાટણમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે. પદ્મનાભ નજીકથી પસાર થતી કેનાલ કેનાલ ઓવરફલો થતાં સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે. કેનાલના તૂટેલા ભાગમાંથી પાણી સોસાયટીમાં ઘુસ્યા છે. આસપાસની 15 સોસાયટીના લોકોના જીવ અદ્ધર થયા છે. તેમાં પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘમહેર વરસાવી હતી. વિસનગરમાં છ ઈંચ, મહેસાણામાં પોણા છ ઇંચ, વિજાપુરમાં પાંચ ઇંચ, જોટાણામાં ચાર ઈંચ અને વડનગરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં 2 કલાકમાં 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડતાં લોકોના ઘર અને સરકારી દવાખાનામાં પાણી ભરાઈ ગયાં હતાં.
બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં પાંચ ઇંચ, પાલનપુરમાં પોણા 3 ઇંચ, ધાનેરામાં 2.5 ઈંચ, દાંતીવાડા અને ડીસામાં 2 ઇંચ, દાંતા અને અમીરગઢમાં પોણા 2 ઇંચ, ભાભર સુઈગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. માણસામાં 4 ઈંચ મેઘમહેર થઇ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત પર મેઘ આક્રમણ
સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી મેઘરાજાએ મધ્ય ગુજરાત પર આક્રમણ કર્યું હોય એમ બોરસદમાં પડેલા 14 ઈંચ વરસાદે ભારે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. તેમાં પણ બુધવારે સવારે તો 4 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસતાં બોરસદ નગર જાણે જળમગ્ન બન્યું હતું. વડોદરામાં 12 ઈંચ, ભરૂચ અને પાદરામાં 8 ઈંચ, નર્મદા જિલ્લામાં 7 ઇંચ અને છોટાઉદેપુર જિલ્લામાં 6 ઈંચ વરસીને મેઘરાજાએ રમઝટ બોલાવી હતી.
નડિયાદમાં 6 ઇંચ, મહુધા અને વસોમાં 4-4 ઇંચ, કપડવંજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. દાહોદમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાં ઐતિહાસિક છાબ તળાવનો ઓવારો ઓવરફ્લો થયો હતો. ઠાસરાના હુણાદરા ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત થયા છે.
ભારે વરસાદથી વંચિત રહેલા વડોદરાવાસીઓને બુધવારે 12 ઈંચ વરસાદે ડૂબાડયા હતા. સમગ્ર વડોદરા શહેર વરસાદી પાણીમાં ડૂબ્યું હોય એવી હાલત થઈ હતી.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ, પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારીના ખેરગામ તાલુકામાં તથા ભરૂચના હાંસોટમાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઈંચ તથા ડાંગમાં 7 ઇંચ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભરૂચમાં 12 કલાકમાં જ બારે મેઘખાંગા થયા હોય એમ સવા આઠ ઇંચ વરસાદમાં ભરૂચના કેટલાય વિસ્તારો કેડ અને ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયા હતા. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે પર વ્યાપક પારમાણમાં પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.
ભારે વરસાદથી 53 ડેમ હાઇ એલર્ટ પર
ખેડાના ઠાસરામાં આવેલો વણાકબોરી ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યો છે. આ સાથે જ વણાકબોરી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં આવેલા કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડાયું હોવાના કારણે વણાકબોરી ડેમ ભરાઈ ગયો હતો. વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 53 જેટલા ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 47 ડેમ 100 ટકા ભરાયા છે. ત્યારે 10 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. જ્યારે 63 ડેમમાં હજુ 25 ટકા કરતા ઓછું પાણી જોવા મળ્યું છે.


