ગાંધીનગરઃ દહેજ - ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ બાદ હવે એકાદ મહિનામાં હજીરાથી દહેજ અને ત્યાંથી ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ થશે. ભારત સરકારે મુસાફરો, વાહનો અને માલ સામાનને એક સાથે દરિયાઈ માર્ગે લઈ જવા રોપેક્સ શિપની ખરીદી પૂર્ણ કરી લીધી હોવાનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ૧૬મી એપ્રિલે જણાવ્યું હતું.
ભારત સરકારમાં કેમિલ્સ, પેટ્રોકેમીકલ્સ અને ફર્ટિલાઈઝર્સ પ્રધાન મનસુખ માંડવિયાએ દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજન (પીસીપીઆઈઆર)માં વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૫,૧૬૩ કરોડનું મૂડી રોકાણ થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના પ્રોત્સાહનો અને અગ્રતાને કારણે આ શક્ય બન્યું છે. આ ક્ષેત્રમાં રોડ, પોર્ટ અને રેલ કનેક્ટિવિટી વધારવા અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ-વે મુંબઈ સુધી લંબાવાઈ રહ્યો છે. તેમાં વડોદરાથી કિમ સુધીના બીજા તબક્કાના કામ માટે રૂ. ૮૦૦૦ કરોડના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.
ત્રીજા તબક્કે કિમથી આગળ મુંબઈ સુધીનું કામ શરૂ થશે. આ ઉપરાંત દહેજ - ભરૂચનો રસ્તો ૬ માર્ગીય થઈ રહ્યો છે અને રેલ માર્ગને બ્રોડગેજમાં રૂપાંતર કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. તેથીય આગળ વધીને હજીરા અને ત્યાંથી દહેજ થઈને સૌરાષ્ટ્રાના ઘોઘા બંદરે એક જ શિપમાં મુસાફરો, તેમના વાહનો અને કાર્ગો સહિતનો સામાન હેરફેર થઈ શકે તેવી રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરવા ભારત સરકાર આગળ વધી રહી છે. ભવિષ્યમાં તેને અમરેલીના વિક્ટર પોર્ટ સુધી પણ વિસ્તારીશું.


