અમદાવાદઃ પાંચમાંથી ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી જંગમાં પક્ષને શાનદાર વિજય અપાવ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હોમ સ્ટેટ પર નજર માંડી છે. દસમી માર્ચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો ભગવો લહેરાયો તેના બીજા જ દિવસે અમદાવાદ પહોંચેલા આ લોકલાડીલા નેતાએ બે દિવસમાં ત્રણ શાનદાર રોડ શો ઉપરાંત અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. તમામ આયોજન અમદાવાદ-ગાંધીનગરમાં હતા, પણ નરેન્દ્ર મોદીની ‘હાજરી’ સમગ્ર ગુજરાતમાં વર્તાતી હતી.
તો શું ભાજપે વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે? સંકેત તો કંઇક આવા જ મળે છે. ગુજરાતમાં જે પ્રકારે રાજકીય માહોલ જામી રહ્યો છે તે જોતાં ડિસેમ્બરના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ વહેલી આવી જાય તો નવાઇ નહીં.
ભાજપની નેતાગીરી રાજ્યમાં પ્રવર્તમાન માહોલનો પૂરો લાભ ઉઠાવવા માગે છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વેરવિખેર છે, અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’) હજુ ગુજરાતમાં પગદંડો જમાવી શકી નથી. પંજાબમાં પ્રચંડ વિજયથી ઉત્સાહિત ‘આપ’ની નેતાગીરી જો પૂરજોશથી ગુજરાતમાં મચી પડે તો - ભલે પ્રચંડ વિજય ન મેળવે પરંતુ બેઠકોની સંખ્યામાં નુકસાન તો કરે જ કરે. ભાજપ આ સ્થિતિ ટાળવા માગે છે, અને આથી જ પક્ષની નેતાગીરી વહેલી ચૂંટણીની તૈયારીમાં હોવાનું નિષ્ણાતોનું માનવું છે. જો વહેલી ચૂંટણી યોજાય તો કોંગ્રેસ અને ‘આપ’ બન્ને ઊંઘતા ઝડપાય તેમ છે.
મોકળું મેદાન
રાજકીય વિશ્લેષકો કહે છે કે ભાજપે જે પ્રકારે ભપકાદાર આયોજન કર્યું હતું તે દર્શાવે છે કે હવે નરેન્દ્રભાઇનું ફોક્સ ગુજરાત પર છે. મિની લોકસભા ચૂંટણી જંગ ગણાવાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ શાનદાર દેખાવ કરી શકશે કે કેમ તે અંગે એક વર્ગને શંકા હતી, પરંતુ પરિણામો દર્શાવે છે કે મોદીની લોકપ્રિયતા બરકરાર છે. ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સત્તા જાળવી છે, અને આ બધું નરેન્દ્રભાઇની લોકપ્રિયતાને આભારી છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. બીજા રાજ્યોમાં તેમનો જાદુ યથાવત્ હોય તો ગુજરાતની તો વાત શું કરવી? આ તો તેમનું માદરે વતન છે. વળી, રાષ્ટ્રીય સ્તરે પણ તેમની સામે ટક્કર ઝીલે તેવા કોઇ નેતા નથી તો ગુજરાતમાં કોણ તેમની સામે ઝીંક ઝીલવાનું છે?!
વેરવિખેર કોંગ્રેસ
ગુજરાતમાં કોંગ્રેસ છે તો ખરી, પણ નહીં જેવી. રાજ્યના રાજકીય પ્રવાહોની રગરગથી વાકેફ એક વરિષ્ઠ પત્રકાર કહે છે કે સાચી વાત તો એ છે કે રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઇ બચ્યું જ નથી. કોઇ બરાબરની ટક્કર આપનાર ન હોવાથી ભાજપનો વિજય ‘વધુ ભવ્ય’ બની જાય છે. કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો ધરાવે છે, પણ તેનું અસ્તિત્વ ક્યાં? પક્ષમાં કાર્યકરો કરતાં નેતા વધુ છે અને જેટલા નેતા છે એટલા તો જૂથ છે. સહુ કોઇ શાસક પક્ષ સામે લડવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે ને એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે. હું ભલે મરું, પણ તને વિધવા કરીશ જેવા અભિગમે ગુજરાત કોંગ્રેસને ડૂબાડી છે એમ કહીએ તો પણ ખોટું નથી. આંતરિક જૂથવાદ, ખેંચતાણ, સહુ કોઇને એક તાંતણે બાંધે તેવા સર્વસ્વીકૃત નેતૃત્વનો અભાવ, પરિણામે શાસક પક્ષને ભીડવવા માટે જરૂરી રાજકીય વ્યૂહનો અભાવ સહિતના અનેક પરિબળોએ પક્ષના કાર્યકરોને નિરાશાની ગર્તામાં ધકેલી દીધા છે. ગુજરાત કોંગ્રેસ લોકો સમક્ષ પોતાને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. કોંગ્રેસની આ હાલત જ રાજ્યમાં ભાજપના વિજયને વધુ ભવ્ય બનાવી રહી છે.