અમદાવાદઃ ખુશ્બુ ગુજરાત કીના કેમ્પેઇન દ્વારા ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસડર તરીકે અમિતાભ બચ્ચને સારી લોકપ્રિયતા અપાવી તે પછી હવે આ જવાબદારી આઇપીએલની ગુજરાતની ટીમ ગુજરાત લાયન્સના શિરે આવી છે. બચ્ચન કેન્દ્રીય યોજનાઓના પ્રચારમાં વ્યસ્ત રહેતા હોવાથી ગુજરાતના પર્યટન વિભાગે રાજ્યના પ્રવાસન સ્થળોના પ્રચાર માટે આ આઇપીએલ ટીમની પસંદગી કરી છે. આ ટીમના ખેલાડીઓને દર્શાવતી જાહેરાતો ટૂંક સમયમાં પ્રસારિત કરવામાં આવશે.
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા તૈયાર કરવામાં આવેલી આ જાહેરાતોમાં બચ્ચનને દર્શાવતી જાહેરાતોમાં રાજ્યના જે ૧૧ પર્યટક સ્થળોનો પ્રચાર કરાયો હતો, તે જ સ્થળોનો પ્રચાર હવે ગુજરાત લાયન્સના ખેલાડીઓ પણ કરશે. પર્યટન વિભાગના જણાવ્યા મુજબ આઇપીએલ ટુર્નામેન્ટ દરમિયાન જ્યારે ગુજરાત લાયન્સ ટીમના સભ્યો રાજકોટમાં હતા ત્યારે આ એડ ફિલ્મોનું શૂટિંગ કરાયું હતું. જોકે શૂટિંગ માટે ખેલાડીઓને પર્યટન સ્થળોએ લઇ જવામાં આવ્યા ન હતા, પરંતુ બેકગ્રાઉન્ડમાં આ સ્થળો દર્શાવીને સ્ટુડિયોમાં જ શૂટિંગ થયું હતું. પર્યટક વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનની બાદબાકી કેમ કરવામાં આવી એવા પ્રશ્નના જવાબમાં ટુરિઝમ વિભાગે જણાવ્યું હતું કે, હાલમાં બચ્ચન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રચારમાં વ્યસ્ત છે. આથી વધુ પર્યટક સ્થળોએ શૂટિંગ માટે તેમની તારીખો મેળવવી મુશ્કેલ છે.

